Get The App

ત્રાપજ નજીક દેશી દારૂની રેઈડ કરવા ગયેલી પોલીસ પર હુમલો

Updated: Mar 10th, 2026

GS TEAM

Google News
Google News
ત્રાપજ નજીક દેશી દારૂની રેઈડ કરવા ગયેલી પોલીસ પર હુમલો 1 - image

-  અમારા ઘરે  દારૂની રેઈડ કરવા આવશો તો જાનથી મારી નાખીશું'

-  દંપતિએ મહિલા પોલીસકર્મીઓને માર માર્યો, પુરૂષ પોલીસકર્મીઓને અપશબ્દો કહી ધક્કો મારી ધમકી આપી

ભાવનગર : તળાજા તાલુકાના ત્રાપજ નજીક આવેલા જોરાવરનગર ગામે દેશી દારૂની રેઈડ માટે ગયેલા અલંગ પોલીસના મહિલા અને પુરૂષ કર્મચારીઓ પર દેશી દારૂ વેચતા દંપતિએ હુમલો કરી ઈજા પહોંચાડી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. બનાવ અંગે અલંગ પોલીસ મથકમાં દંપતિ સામે માર મારી ધમકી આપી ફરજ રૂકાવટ કર્યાંની ફરિયાદ નોંધાતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

તળાજા તાલુકાના ત્રાપજ નજીક આવેલા જોરાવરનગર ગામે પુનમબા જગદીશસિંહ ગોહિલ તેમના ઢોર બાંધવાના વાડામાં દેશી દારૂ રાખી વેચાણ કરતા હોવાની બાતમીના આધારે અલંગ પોલીસની એક ટીમે રેઈડ કરી ઢોર બાંધવાના વાડામાં કામગીરી કરતા હતા ત્યારે પુનમબા અને તેમના પતિ જગદીશસિંહ ઉશ્કેરાઈ જઈ પોલીસને અપશબ્દો કહી 'અમારા ઘરે દારૂની રેઈડ કરવા આવશો તો જાનથી મારી નાખીશું' તેવી ધમકી આપી રેઈડમાં હાજર મહિલા પોલીસ કર્મચારીઓ માયાબેન, મનિષાબેન અને ભાવનાબેનને ઉક્ત પુનમબાએ લાકડી અને ઢીકાપાટુંનો માર મારી મુંઢ ઈજા પહોંચાડી હતી. તેમજ દંપતિને પુરૂષ પોલીસ કોન્સ્ટેબલ યોગરાજસિંહ સમજાવવા જતાં તેમના શર્ટના બટન તોડી નાખી ધક્કો મારી પછાડી દઈ આજે તો તમને લોકોને જોઈ લેવા છે તેવી ધમકી આપી ફરજ રૂકાવટ કરી હતી. બનાવ અંગે અલંગ પોલીસ મથકમાં હેડ કોન્સ્ટેબલ જામસંગભાઈ અજાભાઈ કાછેલાએ અલંગ પોલીસ મથકમાં પુનમબા જગદીશસિંહ ગોહિલ અને જગદીશસિંહ તખુભા ગોહિલ (બન્ને રહે.જોરાવરનગર) વિરૂદ્ધ ફરજ રૂકાવટ સહિતની કલમો હેઠળ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ઘાસના પુળા નીચે છૂપાવેલો 50 લીટર દારૂ ઝડપાયો

અલંગ પોલીસે બાતમીના આધારે તળાજા તાલુકાના ત્રાપજ પાસેના જોરવરનગર ગામે પુનમબા જગદીશસિંહ ગોહિલના ઢોર બાંધવાના વાડામાં તપાસ કરતા ઘાસના પુળા નીચે પ્લાસ્ટીકની થેલીમાં રાખેલો ૫૦ લીટર દેશી દારૂ કબ્જે કરી પુનમબા જગદીશસિંહ ગોહિલ અને જગદીશસિંહ તખુભા ગોહિલ વિરૂદ્ધ અલગથી ફરિયાદ નોંધી હતી.