Get The App

ત્રણ કલાક સુધી લાઇટો નહીં આવતા MGCVLની કારેલીબાગ ઓફિસ ખાતે લોકોનો મધરાતે હોબાળો

Updated: Mar 20th, 2026

GS TEAM

Google News
Google News
ત્રણ કલાક સુધી લાઇટો નહીં આવતા MGCVLની કારેલીબાગ ઓફિસ ખાતે લોકોનો મધરાતે હોબાળો 1 - image

Vadodara MGVCL : વડોદરામાં ગુરૂવારની રાત્રે ફુંકાયેલા ભારે પવન અને વરસાદના કારણે શહેરના સંખ્યાબંધ વિસ્તારોમાં અંધારપંટ છવાયો હતો. બીજી તરફ કારેલીબાગ વિસ્તારમાં અમુક જગ્યાએ ત્રણ ત્રણ કલાક સુધી પણ વીજ પુરવઠો ચાલુ નહીં થતા લોકોએ MHVCL ની કારેલીબાગ ઓફિસ ખાતે રાત્રે ભારે હોબાળો મચાવ્યો હતો.

લોકોએ આક્ષેપ કર્યો હતો કે MHVCL ની હેલ્પલાઇન પર અને કારેલીબાગ ઓફિસમાં પણ લેન્ડલાઈન ફોન પર કોઈ જવાબ નથી આપી રહ્યું. ફોન બાજુ પર મૂકી દેવામાં આવ્યો છે.  સ્થાનિક લોકોએ અધિકારીઓનો ઘેરાવો કર્યો હતો. લોકોએ એવું પણ કહ્યું હતું કે અધિકારીઓ અને કર્મચારીઓએ ઉદ્ધતાઈ પૂર્ણ વર્તન કર્યું હતું.

બીજી તરફ એમજીવીસીએલના ઉચ્ચ અધિકારીઓએ કહ્યું હતું કે ઘણી જગ્યાએ લાઈનનું સમારકામ ચાલી રહ્યું હતું અને તેના કારણે સ્ટાફ વ્યસ્ત રહ્યો હતો એટલે કોઈ જગ્યાએ વીજ પુરવઠો ચાલુ કરવામાં વિલંબ થયો હોઈ શકે છે. 

ઉલ્લેખનીય છે કે ગુરુવારની રાત્રે એમજીવીસીએલના 70 ફીડરો પર વીજ પુરવઠો ખોરવાયો હતો અને આ તમામ ફીડરો રાત્રે ચાલુ થઈ ગયા હોવાનો દાવો પણ સત્તાધીશોએ કર્યો હતો. 

અધિકારીના કહેવા પ્રમાણે વીજ સપ્લાય બંધ થવાની રાત્રે 900 જેટલી વ્યક્તિગત ફરિયાદો મળી હતી અને સવારે 6:00 વાગ્યા સુધીમાં 133 ફરિયાદોને બાદ કરતા બાકીની ફરિયાદોનો ઉકેલ આવી ગયો હતો.