Get The App

હેલ્મેટના બોક્સની આડમાં લઇ જવાતો ૬૪ લાખનો વિદેશી દારૂ જપ્ત કરાયો

એસ પી રીંગ રોડ પર પીસીબીએ વોચ ગોઠવીને ટ્રકને ઝડપી

દારૂનો જથ્થો ચંડીગઢથી જુનાગઢ લઇ જવાનો હતોઃ પોલીસથી બચવા દારૂ મંગાવનાર ઇટલીના કોડ ધરાવતા ફોન નંબરથી ડ્રાઇવર સાથે વાત કરતો હતો

Updated: Feb 9th, 2026

GS TEAM

Google News
Google News
હેલ્મેટના બોક્સની આડમાં લઇ જવાતો ૬૪ લાખનો વિદેશી દારૂ  જપ્ત કરાયો 1 - image

અમદાવાદ,રવિવાર

હેલ્મેટના બોક્સની આડમાં રૂપિયા ૬૪ લાખ કિંમતનો ૧૧ હજાર બોટલ વિદેશી દારૂ લઇને જતી ટ્રકને પીસીબીએ એસ પી રીંગ રોડ અસલાલી પાસેથી ઝડપી લીધી હતી. ટ્રકમાં ચંડીગઢથી જુનાગઢ વિદેશી દારૂ મોકલવામાં આવ્યો હતો અને દારૂ મંગાવનાર વ્યક્તિ પોલીસથી બચવા ઇટલીના કોડ ધરાવતા ફોનથી વાત કરતો હોવાનું પણ સામે આવ્યું છે. ત્યારે પોલીસે કુલ ૮૪ લાખની કિંમતની મત્તા જપ્ત કરીને સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી છે.

અમદાવાદના અસલાલી એસ પી રીંગ રોડથી એક ટ્રકમાં દારૂનો મોટો જથ્થો લઇને ડ્રાઇવર સનાથલથી  જુનાગઢ તરફ જઇ રહ્યો હોવાની ચોક્કસ બાતમી પોલીસ ઇન્સ્પેક્ટર જે પી જાડેજાને મળી હતી. જેના આધારે રવિવારે રાતના સમયે રીગ રોડ પર વોચ ગોઠવીને શંકાસ્પદ ટ્રકને રોકીને ડ્રાઇવર જોની ચંદેલ (રહે. મંડી, હિમાચલ પ્રદેશ)ની પુછપરછ કરતા તેણે જણાવ્યું હતું કે તે ચંડીગઢથી હેલ્મેટના બોક્સ લઇને જુનાગઢ ખાતે જઇ રહ્યો છે. પોલીસે ટ્રકમાં તપાસ કરતા હેલ્મેટ બોક્સની નીચે દારૂ ભરેલા બોક્સ મળી આવ્યા હતા. તપાસ કરતા કુલ વિદેશી દારૂની ૧૧ હજાર બોટલ મળી આવી હતી. જેની કિંમત આશરે ૬૪ લાખ રૂપિયા થતી હતી. જ્યારે પોલીસને હેલ્મેટના એક હજાર બોક્સ પણ મળ્યા હતા. 

હેલ્મેટના બોક્સની આડમાં લઇ જવાતો ૬૪ લાખનો વિદેશી દારૂ  જપ્ત કરાયો 2 - imageડ્રાઇવરની પુછપરછ કરતા જાણવા મળ્યું હતું કે તે મંડીથી ટ્રક લઇને સામાન ખાલી કરવા માટે ચંડીગઢ આવ્યો હતો. જ્યાં તેના ગામની પાસે રહેતા દિલેરામ નામના વ્યક્તિએ તેને ફોન કરીનેે જુનાગઢનો ફેરો આપ્યો હતો. જેમાં હેલ્મેટના બોક્ષની નીચે દારૂની પેટી લઇ જવાની સુચના આપી હતી. જે ફેરાના બદલામાં ૬૦ હજાર રૂપિયા આપવાની વાત નક્કી કરી હતી.  દિલેરામ જણાવ્યું હતું કે  જુનાગઢ પહોંચીને ફોન કર્યા બાદ તે લોકેશન મોકલશે.

જ્યાં એક વ્યક્તિને ટ્રક આપતા તે ખાલી કરીને પરત કરવાનો હતો. જેથી જોની ચંદેલ ટ્રક લઇને જુનાગઢ આવવા નીકળ્યો હતો. તે જયપુર પહોંચ્યો ત્યારે અજાણ્યા નંબરથી તેને કોલ આવ્યો હતો. કોલ કરનારે તેને રસ્તા અંગે માહિતી આપી હતી. પોલીસે તપાસ કરતા કોલનો કોડ ઇટલીનો હતો. જેથી પોલીસને આશંકા છે કે તે ઇન્ટરનેટ કોલની મદદથી ડ્રાઇવરના સંપર્કમાં હતો. જે અંગે હાલ પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.