Get The App

પ્રયાગરાજ-દાદર એક્સપ્રેસ ટ્રેનના કોચમાં AC બંધ મુદ્દે પ્રવાસીઓનો હોબાળો

પાંચ મિનિટના સ્ટોપેજની સામે પોણો કલાક ટ્રેન રોકવી પડી ઃ AC શરૃ થયા બાદ ટ્રેન રવાના કરાઇ

Updated: May 31st, 2026

GS TEAM

Google News
Google News
પ્રયાગરાજ-દાદર એક્સપ્રેસ ટ્રેનના  કોચમાં AC બંધ મુદ્દે પ્રવાસીઓનો હોબાળો 1 - image

વડોદરા,તા.31 વડોદરા રેલવે સ્ટેશન પર આવેલી પ્રયાગરાજ-દાદર એક્સપ્રેસ ટ્રેનના એસી કોચોમાં એસી બંધ હોવા મુદ્દે પ્રવાસીઓએ ભારે હોબાળો મચાવ્યો હતો. પાંચ મિનિટના વડોદરામાં સ્ટોપેજની સામે ટ્રેન પોણો કલાક સુધી રોકાઇ હતી અને એસી ચાલુ કર્યા બાદ ટ્રેનને દાદર તરફ જવા રવાના કરાઇ હતી.

પ્રાપ્ત માહિતી મુજબ પ્રયાગરાજથી દાદર તરફ જતી વિકલી એક્સપ્રેસ ટ્રેન વડોદરા રેલવે સ્ટેશન પર બપોરે આવી હતી. આ સાથે જ આ ટ્રેનમાં એસીના પાંચ કોચના પ્રવાસીઓએ નીચે ઉતરી સ્ટેશન ડાયરેક્ટરની ઓફિસે જઇને કોચમાં એસી બંધ છે તેવા આક્ષેપો કરીને રિફંડની માગણી કરી હતી. પ્રવાસીઓનો રોષ જોઇને તાત્કાલિક કોચના એસી શરૃ કરવાની કાર્યવાહી રેલવે તંત્ર દ્વારા હાથ ધરવામાં આવી  હતી. 

કેટલાંક પ્રવાસીઓએ તો એવી ફરિયાદ કરી હતી કે છેક પ્રયાગરાજથી જ કોચમાં યોગ્ય એસી ચાલતુ ન હતું. આ ટ્રેન વડોદરા રેલવે સ્ટેશન પર પાંચ મિનિટ થોભતી હોય છે પરંતુ પ્રવાસીઓના હોબાળાના પગલે પોણો કલાક સુધી ટ્રેનને રોકી રાખવાની ફરજ પડી હતી. પ્રવાસીઓના હોબાળાના પગલે સ્થળ પર પોલીસ તેમજ આરપીએફના જવાનો પણ દોડી આવ્યા હતાં. 

પોણો કલાક બાદ એસીની સ્થિતિ થાળે પડતા આખરે ટ્રેનને રેલવે સ્ટેશન પરથી દાદર તરફ રવાના કરવામાં આવી હતી. પ્રવાસીઓએ આક્ષેપ કર્યા હતાં કે યાર્ડમાં પણ ટ્રેન અડધો કલાક સુધી ઊભી રહી ત્યારે પણ સખત ગરમીનો સામનો કરવો પડયો હતો.