Gujarat

ચાંચ ગામના માતા-પિતા, પુત્રને 7 વર્ષ કેદની સજા

By GS TEAM
19 Mar 20261 min read
ચાંચ ગામના માતા-પિતા, પુત્રને 7 વર્ષ કેદની સજા

- બાઈક લઈને ઘરે જતા યુવકને ધોકાથી માર મારી ગંભીર ઈજા પહોંચાડેલી

- કોર્ટે 15 હજારનો દંડ ફટકાર્યો, ફરિયાદીને વળતર ચૂકવવા પણ આદેશ

રાજુલા : રાજુલામાં વર્ષ ૨૦૨૦માં થયેલી મારામારીની ઘટનામાં ચાંચ ગામના માતા-પિતા અને પુત્રને સાત વર્ષ કેદની સજા, રોકડ રકમનો દંડ ફટકારવામાં આવ્યો છે.

રાજુલાના ચાંચ ગામે રહેતા વિજયભાઈ અધોવજીભાઈ શિયાળ સને ૨૦૨૦માં બાઈક લઈને ઘરે જઈ રહ્યા હતા. ત્યારે મુકેશ શામજીભાઈ શિયાળ, તેના માતા-પિતા રામુબેન અને શામજી ભીખાભાઈ શિયાળ (રહે, ત્રણેય ચાંચ ગામ, તા.રાજુલા)એ એક સંપ કરી ધોકા વડે માર મારી ફ્રેક્ટર સહિતની ગંભીર ઈજા પહોંચાડી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. દરમિયાનમાં આ અંગેનો કેસ રાજુલના એડી. ચીફ મેજિ.ની કોર્ટમાં ચાલી જતાં સરકારી વકીલ દિવ્યેશભાઈ બી. ગાંધીની દલીલો, પુરાવાઓનું મુલ્યાંકન, પંચો-સાહેદોની જુબાની વગેરેને ધ્યાને લઈ કોર્ટે ત્રણેય આરોપીને સાત વર્ષની સજા, દરેક આરોપીને પાંચ-પાંચ હજારનો દંડ તેમજ દંડની રકમમાંથી ફરિયાદીને વળતર પેટે રૂા.૧૧,૦૦૦ ચૂકવવા હુકમ કર્યો છે.