Get The App

ચૂંટણી ફરજમાં બેદરકારી ભારે પડી: મોરવાહડફમાં પ્રિસાઈડિંગ ઓફિસર સામે ધરપકડ વોરંટ જાહેર

Updated: Apr 27th, 2026

GS TEAM

Google News
Google News
ચૂંટણી ફરજમાં બેદરકારી ભારે પડી: મોરવાહડફમાં પ્રિસાઈડિંગ ઓફિસર સામે ધરપકડ વોરંટ જાહેર 1 - image


Panchmahal News: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જેવી મહત્વની રાષ્ટ્રીય ફરજમાં બેદરકારી દાખવવી એક શિક્ષકને ભારે પડી છે. મોરવાહડફમાં ચૂંટણી અધિકારીના હુકમનો અનાદર કરનાર પ્રિસાઈડિંગ ઓફિસર સામે તંત્રએ લાલ આંખ કરી છે અને તેમની સામે સીધું ધરપકડ વોરંટ ઇસ્યુ કરવામાં આવતા અન્ય કર્મચારીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે.

શું છે સમગ્ર મામલો?

જિલ્લા અને તાલુકા પંચાયતની સામાન્ય ચૂંટણી 2026 અંતર્ગત પંચમહાલ જિલ્લાના ચૂંટણી તંત્ર દ્વારા વિવિધ કર્મચારીઓને જવાબદારીઓ સોંપવામાં આવી હતી. જે અંતર્ગત મોજરી નાયકા ફળીયા વર્ગ પ્રાથમિક શાળાના મદદનીશ શિક્ષક ઠાકરડા માંગાભાઈ વેચાતભાઈને પ્રિસાઈડિંગ ઓફિસર તરીકેની મહત્વની જવાબદારી સોંપાઈ હતી.

નિયત સમયે ગેરહાજર રહેતા થઈ કાર્યવાહી

નિયમ મુજબ, પ્રિસાઈડિંગ ઓફિસરે 25 એપ્રિલના રોજ સવારે 8 કલાકે સરકારી વિનયન કોલેજ, મોરવા (હ) ખાતેના ડિસ્પેચીંગ સેન્ટર પર હાજર રહેવાનું હતું. જોકે, ઠાકરડા માંગાભાઈ નિયત સમયે કે સ્થળે હાજર રહ્યા ન હતા. આ બાબતને ચૂંટણી અધિકારીના હુકમનો અનાદર અને રાષ્ટ્રીય ફરજમાં ગંભીર બેદરકારી ગણવામાં આવી છે.

ચૂંટણી ફરજમાં બેદરકારી ભારે પડી: મોરવાહડફમાં પ્રિસાઈડિંગ ઓફિસર સામે ધરપકડ વોરંટ જાહેર 2 - image

તંત્રની કડક કાર્યવાહી: પોલીસને ધરપકડનો આદેશ

ચૂંટણી પ્રક્રિયામાં કોઈ પણ પ્રકારની શિથિલતા ચલાવી લેવામાં ન આવે તે હેતુથી મામલતદાર અને ચૂંટણી અધિકારી મોરવાહડફ દ્વારા 26 એપ્રિલના રોજ આ કર્મચારી વિરુદ્ધ ‘ધરપકડ વોરંટ’ બહાર પાડવામાં આવ્યું છે. મોરવાહડફ પોલીસ ઇન્સ્પેક્ટરને આદેશ આપવામાં આવ્યો છે કે તેઓ તાત્કાલિક અસરથી ગેરહાજર રહેનાર પ્રિસાઈડિંગ ઓફિસરની ધરપકડ કરે.વહીવટી તંત્રનું માનવું છે કે  "ચૂંટણી એ એક મહત્વની રાષ્ટ્રીય ફરજ છે અને તેમાં કોઈ પણ સ્તરે બેદરકારી ચલાવી લેવામાં આવશે નહીં." 

આ પણ વાંચો: અમદાવાદ: ભાજપ ઉમેદવારના ભાઈ જ ગાડીમાં EVM લઈ નીકળ્યા? ગંભીર આક્ષેપ સાથે કોંગ્રેસનો હોબાળો

આ કાર્યવાહીએ સ્પષ્ટ સંકેત આપ્યો છે કે ચૂંટણી પ્રક્રિયા દરમિયાન નિયમોનું ઉલ્લંઘન કરનાર કે ફરજમાં કચાશ રાખનાર કર્મચારીઓ સામે વહીવટી તંત્ર કડક હાથે કામ લેશે.