ગોધરા: લોહીના સંબંધો પણ ઝાંખા પડ્યા! કિન્નર માતાઓએ દત્તક દીકરી પાયલને 'રાજકુમારી'ની જેમ સાસરે વળાવી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Panchmahal News: કહેવાય છે કે માતૃત્વને કોઈ સીમાડા હોતા નથી અને મમતાને કોઈ જાતિ નથી હોતી. આ ઉક્તિને ગોધરાના કિન્નર સમાજે અક્ષરશઃ સાર્થક કરી બતાવી છે. ગોધરાની ધરતી પર રિંકુ દે અને સંગીતા દે નામની બે કિન્નર માતાઓએ પોતાની દત્તક લીધેલી દીકરી પાયલના લગ્ન ધામધૂમથી કરાવી, સમાજમાં માનવતાનું એક અજોડ ઉદાહરણ પૂરું પાડ્યું છે.
દોઢ વર્ષની માસૂમિયતથી લઈ લગ્નના મંડપ સુધીની સફર
પાયલ જ્યારે માત્ર દોઢ વર્ષની હતી, ત્યારે રિંકુ દે અને સંગીતા દે એ તેને દત્તક લીધી હતી. માત્ર પાયલ જ નહીં, આ કિન્નર માતાઓએ પાયલની માતાને પણ દત્તક લઈને આખા પરિવારને આશરો આપ્યો હતો. દીકરીના પાલન-પોષણથી માંડીને ઉચ્ચ શિક્ષણ સુધીની તમામ જવાબદારી આ માતાઓએ પિતા અને માતા બંને બનીને નિભાવી.
14 ફેબ્રુઆરી: વેલેન્ટાઈન ડે પર વહાલનો દરિયો ઉમટ્યો
ગઈકાલે જ્યારે સમગ્ર વિશ્વ પ્રેમનો ઉત્સવ મનાવી રહ્યું હતું, ત્યારે આણંદથી પાયલની જાન ગોધરા આંગણે આવી હતી. કિન્નર સમાજે આ લગ્નને એક ભવ્ય ઉત્સવનું સ્વરૂપ આપ્યું હતું. માતાઓએ પોતાની મૂડીમાંથી દીકરીને ભવ્ય કરિયાવર આપ્યો. મહેમાનો માટે રજવાડી ભોજનની વ્યવસ્થા કરવામાં આવી હતી.
ભાવુક વિદાયથી તમામની આંખો ભીની થઈ
જ્યારે પાયલની વિદાયનો સમય આવ્યો, ત્યારે હાજર રહેલા તમામ લોકોની આંખો ભીની થઈ ગઈ હતી. કિન્નર માતાઓના આશીર્વાદ અને પાયલનો તેમના પ્રત્યેનો આદર જોઈને વાતાવરણ અત્યંત ગમગીન અને મમતામય બની ગયું હતું. રિંકુ દે અને સંગીતા દેએ જણાવ્યું હતું કે, "અમે ભલે જૈવિક રીતે માતા ન બની શકીએ, પણ પાયલ પ્રત્યેનો અમારો પ્રેમ કોઈ પણ સગી માતાથી ઓછો નથી. આજે દીકરીને સાસરે વળાવતા હૈયું ભરાઈ આવ્યું છે."
સમાજ માટે એક અમર સંદેશ
સામાન્ય રીતે સમાજમાં કિન્નરો પ્રત્યે અલગ દ્રષ્ટિકોણ રાખવામાં આવતો હોય છે, પરંતુ આ કિસ્સાએ સાબિત કર્યું છે કે સંસ્કાર અને સ્નેહ આપવામાં કિન્નર સમાજ કોઈનાથી પાછળ નથી. પાયલના આ લગ્ન માત્ર બે વ્યક્તિનું મિલન નહીં, પરંતુ રૂઢિચુસ્ત માનસિકતા પર માનવતાનો વિજય છે.









