Gujarat

આજે રુપાલમાં નીકળશે માતાજીની પલ્લી, રાવણનો વધ કરવાનું અસ્ત્ર રામને અહીંથી મળ્યું હતું, પાંડવોએ છુપાવ્યા હતા શસ્ત્રો

By GS Team
11 Oct 20243 mins read
This article was originally published on 11 Oct 2024
TukuTouch Logo
ગાંધીનગર જિલ્લાના રુપાલ ગામમાં વર્ષોથી પરંપરાગત પલ્લીનો મેળો યોજાય છે. આ વખતે પણ નોમના દિવસે એટલે કે 11મી ઑક્ટોબરે રાતના 12 વાગ્યે વરદાયીની માતાજીની પલ્લી નિકળશે અને તેમના પર હજારો કિલો ચોખ્ખા ઘીનો અભિષેક થશે.

Summarized by AI; it may make mistakes. Check important info

આજે રુપાલમાં નીકળશે માતાજીની પલ્લી, રાવણનો વધ કરવાનું અસ્ત્ર રામને અહીંથી મળ્યું હતું, પાંડવોએ છુપાવ્યા હતા શસ્ત્રો

Rupal Palli: ગાંધીનગર જિલ્લાના રુપાલ ગામમાં વર્ષોથી પરંપરાગત પલ્લીનો મેળો યોજાય છે. આ વખતે પણ નોમના દિવસે એટલે કે 11મી ઑક્ટોબરે રાતના 12 વાગ્યે વરદાયીની માતાજીની પલ્લી નિકળશે અને તેમના પર હજારો કિલો ચોખ્ખા ઘીનો અભિષેક થશે.

પ્રાચીન ગ્રંથ રામાયણ અને મહાભારત સાથે સંકળાયેલું ઐતિહાસિક તીર્થ સ્થળ એવા રુપાલમાં દર વર્ષે પલ્લી નિકળે છે અને ગામના 27 જેટલા ચકલા પાસે ઊભી રહે છે. આ પલ્લી જ્યાં જ્યાં ઊભી રહે ત્યાં ભક્તો પલ્લી પર ઘીનો ચઢાવો કરે છે. ગયા વર્ષે પલ્લી પર 32 કરોડનું પાંચ લાખ કિલો કરતાં વધુ ઘી ચઢ્યું હતું. માતાના મંદિર ટ્રસ્ટ દ્વારા પલ્લીની તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે.

ઘીને કૂતરાં કે કીડી સૂંઘતા પણ નથી

પલ્લીમાં હજારો કિલો ઘી માતાજીને અર્પણ કરવામાં આવે છે. ગામમાં ઘીની નદીઓ વહેતી હોય તેવા દૃશ્યો જોવા મળે છે પરંતુ અર્પણ થયેલા ધીના ડાઘ કપડાં પર પડતા નથી તેવી લોકવાયકા છે. આ ઘી માત્ર ચોક્કસ સમાજના લોકો એકત્ર કરીને ઉપયોગમાં લેતા હોય છે. ખૂલ્લું પડી રહ્યું હોવા છતાં ઘીને કૂતરાં કે કીડી સૂંઘતા પણ નથી. પલ્લીમાં એવી પ્રથા છે કે જે લોકોની માનતા પૂરી થઈ હોય તેઓ આવીને ઘીનો અભિષેક કરે છે. નવજાત શિશુ લઈને પણ લોકો દર્શન કરવા આવે છે. આ મંદિરમાં પ્રતિદિન એક હજાર, પૂનમના દિવસે એક લાખ અને પલ્લીના મેળામાં 10 લાખથી વધુ ભક્તો જોડાતા હોય છે. આ વખતે પણ પલ્લીમાં આટલી મોટી સંખ્યામાં ભક્તો જોડાવાના હોવાથી એસટી નિગમે સ્પેશ્યલ એસટી બસોની સુવિધા કરી છે. 


કઈ કઈ જાતિના લોકોની ભૂમિકા... 

મહત્ત્વનું છે કે પલ્લીમાં અલગ અલગ જાતિના લોકો તેમની ભૂમિકા નિભાવે છે. વણકર ભાઈઓ પલ્લી માટે ખીજડો કાપે છે. સુથાર પલ્લી બનાવે છે. વાળંદ વરખડાના સોટા બાંધે છે. કુંભાર કૂંડા છાદે છે. માળી ફૂલથી શણગાર કરે છે. મુસ્લિમ કૂંડામાં કપાસ પૂરે છે. પંચોળી ખીચડી બનાવે છે. ચાવડા પલ્લીની રક્ષા માટે ખુલ્લી તલવાર લઈને નીકળે છે. ત્રિવેદી ભાઈઓ પલ્લીની પૂજા કરે છે અને પાટીદાર પલ્લીની પૂજા આરતી કરી પલ્લીના કુંડમાં અગ્નિ પ્રગટાવે છે.

આજે હવનાષ્ટમી : શનિવારે નોમ-વિજયા દશમી એકસાથે, 16 ઓક્ટોબરે શરદ પૂર્ણિમા ઉજવાશે

અહીંથી ભગવાન રામને મળ્યું હતું રાવણને મારવાનું દિવ્ય અસ્ત્ર

વરદાયીની માતા ટ્રસ્ટ જણાવ્યા પ્રમાણે ત્રેતા યુગમાં ભગવાન શ્રીરામ તેમના પિતાની આજ્ઞા મુજબ 14 વર્ષના વનવાસે નીકળ્યા હતા. ત્યારે તેમણે ભરત મિલાપ બાદ શ્રી શ્રૃંગી ઋષિના આદેશથી ભાઈ લક્ષ્મણ તથા સીતામાતા સાથે શ્રી વરદાયીની માતાજીના દર્શન કરી પૂજા અર્ચના કરી હતી. ત્યારે શ્રી વરદાયીની માતાજીએ પ્રસન્ન થઈ ભગવાન રામને આશીર્વાદ આપી શક્તિ નામનું એક અમોધ દિવ્ય અસ્ત્ર આપ્યું હતું. ભગવાન શ્રીરામે એ જ બાણથી અજેય રાવણનો વધ કર્યો હતો.

મહાભારત સાથે પણ જોડાયેલો છે રુપાલની પલ્લીનો ઇતિહાસ

કહેવાય છે કે, ગુપ્તવાસ દરમિયાન જ્યારે પાંડવો વનવાસ ભોગવી રહ્યા હતા ત્યારે જંગલની વચ્ચે ઘેરાયેલા રુપાલ પંથકમાં ખીજડાની નીચે માતાજીની દેરી હતી. ગુપ્તવાસ પૂરો કરીને પાંડવો વિરાટનગર એટલે કે હાલના ધોળકાથી પરત ફરી અહીં રુપાલમાં મૂકેલા શસ્ત્રો લેવા આવ્યા હતા, અને ત્યારે તેમણે શસ્ત્રોની પૂજા કરીને પાંચ દીવાની જ્યોતવાળી પલ્લી બનાવી માતાજીને અર્પણ કરી હતી. ત્યારથી અહીં માતાજીની પલ્લીની પરંપરાનો પ્રારંભ થયો હોવાનું કહેવામાં આવે છે.

અહીં રાજા સિદ્ધરાજ જયસિંહે પૂરી કરી હતી પ્રતિજ્ઞા

સોલંકી યુગની દંત કથા પણ રુપાલની પલ્લી સાથે જોડાયેલી છે. ગુજરાતના સુવર્ણકાળ કહેવાતા સોલંકી યુગના પાટણના રાજા સિદ્ધરાજ જયસિંહની માળવાના રાજા યશોવર્માએ અવગણના કરી હતી. જેના કારણે તેમની વચ્ચે વેર બંધાયું હતું. તેથી તેઓએ યશોવર્માનો વધ ન કરે ત્યાં સુધી અન્ન ન લેવાની અવિચારી પ્રતિજ્ઞા લીધી હતી. સેના લઈ માળવા ઉપર ચઢાઈ કરવા જતાં સમયે તેમણે રુપાલમાં માતાજીના મંદિર પાસે પડાવ નાખ્યો હતો. માતાજીએ સ્વપ્નમાં આવી અવિચારી પ્રતિજ્ઞાથી ચિંતિત રાજા સિદ્ધરાજને દર્શન આપ્યા અને યુદ્ધ જીતવા માટેનો રસ્તો બતાવ્યો હતો. માતાજીના હુકમનું પાલન કરી આખરે રાજા સિદ્ધરાજે યુદ્ધમાં યશોવર્માનો વધ કર્યો હતો. ત્યાર બાદ સિદ્ધરાજ જયસિંહે રુપાલ આવી માતાજીની પૂજા કરી નવું મંદિર બનાવી, માતાજીની મૂર્તિની પ્રતિષ્ઠા કરાવી હતી.