Get The App

ખાણ ખનિજ વિભાગની બેદરકારીથી લોકો હેરાન ઓવરલોડ રેતી ભરેલા ડમ્પરોના કારણે પાલેજ-નારેશ્વર રોડ બિસ્માર

Updated: Mar 17th, 2026

GS TEAM

Google News
Google News
ખાણ ખનિજ વિભાગની બેદરકારીથી લોકો હેરાન  ઓવરલોડ રેતી ભરેલા ડમ્પરોના કારણે પાલેજ-નારેશ્વર રોડ બિસ્માર 1 - image

વડોદરા, તા.17 વડોદરા જિલ્લામાં રેતી માફિયાઓના કારણે રાજ્યમાર્ગોની હાલત પણ ખરાબ થઇ જાય છે. ખાણ ખનિજખાતાના અધિકારી અને કર્મચારીઓ દ્વારા ઓવરલોડ વાહનોને અપાતા પ્રોત્સાહનથી રોડ પર પડતા મોટા ખાડાઓના કારણે અન્ય વાહન ચાલકો પરેશાન થતા હોય છે. પાલેજ-નારેશ્વરરોડ પર રેતી ભરેલા ઓવરલોડ વાહનો પસાર થતાં રોડની હાલત ખરાબ થઇ ગઇ છે.

ઉલ્લેખનીય છે કે વડોદરા ખાણખનિજ વિભાગને અંધારામાં રાખી ગાંધીનગરની ફ્લાઇંગ સ્ક્વોડ ટીમે કરજણ તાલુકાના ઓઝ ગામે દરોડો પાડતા સ્થાનિક તંત્ર ઊંઘતું ઝડપાયું  હતું. માત્ર ઓઝ ગામ જ નહી પરંતુ નારેશ્વર પંથકના ગામોમાં નર્મદા નદીના કિનારે મોટાપાયે ગેરકાયદે રેતીખનન ચાલતું  હોવા છતાં સ્થાનિક તંત્ર દ્વારા ચોક્કસ પગલા લેવાતા નથી. એકાદ કાર્યવાહી કરીને તંત્ર સંતોષ માની લે છે તે વિગતોના પગલે હવે સ્થાનિક લોકો પણ વિરોધમાં બહાર આવ્યા છે.

નારેશ્વર-પાલેજ રોડ પરથી ઓવરલોડ રેતી ભરેલા રોજે રોજ મોટી સંખ્યામાં ડમ્પરો પસાર થાય છે પરંતુ વડોદરાના ખાણખનિજ વિભાગ દ્વારા કોઇ પગલાં લેવામાં નહી આવતા રોડની હાલત એકદમ ખરાબ થઇ ગઇ છે. સાંસરોદ, સારિંગ, ઓઝ, પાછીયાપુરા, રાંદોડ પાસે તો ઊંટ પર બેસીને જતા હોય તેમ વાહન પસાર થતું હોય તેવા દ્રશ્યો જોવા મળતા હોય છે.  નેશનલ હાઇવેથી માત્ર ૧૦ કિલોમીટર રોડનું અંતર કાપતા કલાક જેટલો સમય પસાર થતો હોય છે.

માર્ગ અને મકાન વિભાગ દ્વારા આ રોડ પર દર વર્ષે કરોડો રૃપિયાનો ખર્ચ કરવામાં આવે છે પરંતુ સ્થિતિ ફરી એવી ને એવી જ થઇ જાય છે. ઓવરલોડ ડમ્પરો પસાર થતા હોવા છતાં મજબૂત રોડ બનાવવાના બદલે વારંવાર રોડને નુકસાન થાય તેવો રોડ બનાવવામાં આવી રહ્યો છે. ઓવરલોડ ડમ્પરો પર કાર્યવાહી કરવાની જવાબદારી ખાણ ખનિજવિભાગની હોવા છતાં તે તરફ કોઇ ધ્યાન અપાતું નથી. નારેશ્વર પંથક રેતી માફિયાઓ માટે પ્રખ્યાત છે.