વડોદરા, તા.16 પતિ-પત્ની વચ્ચેનો ઝગડો પોલીસ સ્ટેશનમાં પહોંચ્યા બાદ લવ જેહાદનો બનાવ હોવાથી પાદરાના પીઆઇએ તે અંગેનો કેસ દાખલ નહી કરવા માટે રૃા.૬ લાખની માંગણી કર્યા બાદ છેલ્લે રૃા.૨ લાખ આપવાનું નક્કી થયું હતું અને પાદરાના પીઆઇ વતી લાંચ લેવા આવેલા ચાણસદના શખ્સની રૃા.૨ લાખની લાંચની રકમ સાથે રંગે હાથ એસીબીએ ધરપકડ કરી છે.
લાંચ રુશ્વત વિરોધી બ્યૂરોના જણાવ્યા મુજબ તા.૯ના રોજ હિન્દુ પત્ની અને મુસ્લિમ પતિ વચ્ચે ઝઘડો થયો હતો. આ મામલો પોલીસ સુધી પહોંચતા બંનેને પાદરા પોલીસ સ્ટેશન લઇ જવાયા હતાં. જે તે સમયે પોલીસે અટકાયતી પગલાની કામગીરી કરી હતી. આ વખતે પાદરાના પીઆઇ વી.એ. ચારણના ધ્યાનમાં આવ્યું હતું કે આ તો લવ જેહાદનો કિસ્સો છે જેથી તેમણે પતિ અને પત્નીને જણાવેલ કે આમાં લવ જેહાદનો ગુનો બને છે. આગળની કાર્યવાહી ના કરવી હોય તો ચાણસદમાં પ્રમુખસ્વામી ગેટની બાજુમાં રહેતા સાજીદઅલી ગુલામરસુલ સૈયદને મળી લેજો.
પીઆઇની સુચના મુજબ પતિ સાજીદઅલીને મળ્યો હતો ત્યારે લવ જેહાદનો ગુનો દાખલ નહી કરવા માટે પ્રથમ રૃા.૬ લાખની માંગણી કરવામાં આવી હતી. જો કે પતિ અને પત્ની પાસે આટલી રકમ નહી હોવાથી રકઝકના અંતે રૃા.૨ લાખ આપવાનું નક્કી થયું હતું. રકમ નક્કી થયા બાદ સાજીદઅલી વારંવાર રૃપિયાની ઉઘરાણી કરતો હતો પરંતુ દંપતી પાસે પૈસા નહી હોવાથી વિધર્મી પતિએ એસીબીની કચેરીએ જઇને ફરિયાદ આપી હતી.
દરમિયાન એસીબીના નાયબ નિયામક બળદેવ દેસાઇની સુચનાથી મદદનીશ નિયામક બી.એસ. પટેલના માર્ગદર્શન હેઠળ પીઆઇ એ.એન. પ્રજાપતિએ સ્ટાફના માણસો સાથે લાંચનું છટકું ગોઠવ્યું હતું. પૈસાની રકમ લેવા માટે વડોદરામાં અક્ષરચોક પાસે રજવાડી ટી-સ્ટોલની સામે સાજીદઅલી આવ્યો હતો અને થોડી વાતચીત કર્યા બાદ તેણે લાંચની રકમ લેતાં જ એસીબીની ટીમે રંગે હાથ સાજીદઅલીને ઝડપી પાડયો હતો. બાદમાં તેણે પીઆઇને ફોન કરીને જણાવેલ કે પૈસા આવી ગયા છે જેથી પીઆઇએ ઓકે કહ્યું હતું. આ અંગે એસીબીએ પાદરાના પીઆઇ વી.એ. ચારણ તેમજ ખાનગી વ્યક્તિ સાજીદઅલી સામે ભ્રષ્ટાચાર અધિનિયમ હેઠળ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


