Gujarat

રાજુલામાં રોજ વીજળી ગુલ થતી હોવાથી શહેરીજનોમાં રોષ

By GS Team
29 Jul 20201 min read
This article was originally published on 29 Jul 2020
રાજુલામાં રોજ વીજળી ગુલ થતી હોવાથી શહેરીજનોમાં રોષ

રાજુલા, તા. 29 જુલાઈ 2020, બુધવાર

રાજુલા શહેરમાં પીજીવીસીએલની કામગીરી સામે સમગ્ર શહેરીજનોમાં ભારે રોષની લાગણી પ્રવર્તી રહી છે. શહેરની એક લાખ જેટલી વસ્તી છે. એક માસની અઢી કરોડની આવક છે પરંતુ સ્ટાફ પૂરતો ભરવામાં આવતો નથી. ફોલ્ટના કારણે વગર વરસાદે શહેરમાં છાશવારે વીજધાંધિયા સર્જાય છે. ૨૪ કલાકમાં દસ વાર વીજળી ગુલ થતી હોવાની ફરિયાદો ઉઠી છે.

ટેલીફોનથી કોઈ ફરિયાદ કરવા ફોન કરે તો પીજીવીસીએલમાં કોઈ ફોન ઉપાડતું નથી. માત્ર ટેલિફોનની રિંગ રણક્યા કરે છે. કમ્પ્લેન બુકમાં લખેલી ફરિયાદોનો પણ 36 કલાક સુધી નિકાલ કરવામાં આવતો નથી.

અમરેલી જિલ્લામાં રાજુલા તાલુકામાં પીજીવીસીએલ તંત્ર દ્વારા સૌથી વધારે નાણા ગત વર્ષે રીપેરીંગ પાછળ વાયરીંગ થાંભલા કેબલ બદલવામાં નાખવામાં આવ્યા હતા છતાં સૌથી વધુ ફરિયાદો વીજ તંત્રની રાજુલા શહેરની છે. ગત વર્ષે પીજીવીસીએલ ખાતા તરફથી લાખો રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો તેમાં પ્રજાના પૈસાનું પાણી થઇ ગયું હોય તેમ આજે શહેરમાં ઠેરઠેર ફરિયાદો ઉઠવા પામી છે.

રાજુલા નગરપાલિકાના ઉપપ્રમુખના જણાવ્યા મુજબ જો ઝડપભેર રીપેરીંગ કરવામાં નહીં આવે તો ગમે ત્યારે ઉગ્ર આંદોલન, ધરણા, આવેદનપત્ર સહિતના કાર્યક્રમો કરવામાં આવશે. ચેમ્બરના પ્રમુખે જણાવ્યું કે કોરોનાના કારણે લોકો ઘરમાં બેસીને દિવસો કાઢી રહ્યા છે ત્યારે વીજ તંત્ર અવારનવાર ફોલ્ટ જતા લોકો પોતાના ઘરમાં પણ બેસી શકતા નથી.