Get The App

મનપામાં 9 લાખ, જિ. પં.માં 6 લાખ અને તા.પં.માં 3 લાખ સુધીનો જ ખર્ચ કરી શકાશે

Updated: Apr 3rd, 2026

GS TEAM

Google News
Google News
મનપામાં 9 લાખ,  જિ. પં.માં 6 લાખ અને તા.પં.માં 3 લાખ સુધીનો જ ખર્ચ કરી શકાશે 1 - image

ચૂંટણી સંદર્ભે ખેડામાં આચારસંહિતા અને ખર્ચ મર્યાદાની જાહેરાત

હરીફ ઉમેદવારોએ ખર્ચના હિસાબો સંબંધિત ચૂંટણી અધિકારી સમક્ષ ફરજિયાતપણે રજૂ કરવાના રહેશે

નડિયાદ: રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીની જાહેરાત કરવામાં આવતા ખેડા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ઉમેદવારોના ચૂંટણી ખર્ચ, આદર્શ આચારસંહિતા સહિતની માહિતી અપાઈ હતી. તેમજ મહત્વપૂર્ણ બાબતો રજૂ કરી અને લોકશાહી ઢબે ચૂંટણી યોજવા કલેક્ટરે જિલ્લાવાસીઓને હાકલ કરી હતી.

જિલ્લા સમાહર્તાના જણાવ્યા મુજબ, ખેડા જિલ્લામાં ૨૬ એપ્રિલના રોજ મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવશે, જેમાં જિલ્લા પંચાયતની ૪૨ બેઠકો, ૯ તાલુકા પંચાયતોની ૧૭૬ બેઠકો અને નડિયાદ મહાનગરપાલિકાના ૧૩ વોર્ડની ૫૨ બેઠકો માટે સંગ્રામ જામશે. આ ઉપરાંત કપડવંજ, કણજરી, કઠલાલ અને ઠાસરા નગરપાલિકાઓમાં પણ સામાન્ય ચૂંટણી યોજાનાર છે. જિલ્લા પંચાયતના દરેક મતદાર મંડળના ઉમેદવાર માટે ૬,૦૦,૦૦૦ , તાલુકા પંચાયતના ઉમેદવાર માટે ૩,૦૦,૦૦૦ અને નડિયાદ મહાનગરપાલિકાના દરેક વોર્ડના ઉમેદવાર માટે ૯,૦૦,૦૦૦ સુધીની ખર્ચ મર્યાદા નક્કી કરવામાં આવી છે. હરીફ ઉમેદવારોએ આ ખર્ચના હિસાબો સંબંધિત ચૂંટણી અધિકારી સમક્ષ ફરજિયાતપણે રજૂ કરવાના રહેશે. નગરપાલિકાના ઉમેદવારો માટે ૧થી ૯ વોર્ડ સુધી ૨,૨૫,૦૦૦ અને ૯થી વધુ વોર્ડ માટે ૩,૫૦,૦૦૦ ખર્ચની મર્યાદા રહેશે. ચૂંટણી પ્રક્રિયાને લઈને જિલ્લામાં આદર્શ આચારસંહિતાનો અમલ શરૂ થઈ ગયો છે. ચૂંટણી પ્રચાર માટે વપરાતા સાહિત્ય અને હોર્ડિંગ્સ અંગે પણ તંત્ર દ્વારા કડક સૂચનાઓ આપવામાં આવી છે. હોર્ડિંગની સાઈઝ ૧૫ બાય ૮ ફૂટથી વધવી જોઈએ નહીં અને તેની ઊંચાઈ ૮ ફૂટથી વધારે રાખી શકાશે નહીં. પ્રચાર સાહિત્ય છપાવવા માટે પ્રેસમાં ઉમેદવારે એકરારનામું કરવાનું રહેશે અને છપાનાર સાહિત્યમાં મુદ્રક, પ્રકાશકનું નામ અને નકલોની સંખ્યા દર્શાવવી પડશે. આ ખર્ચ પણ ઉમેદવારના ચૂંટણી ખર્ચમાં જ ગણવામાં આવશે.

- પ્રચારના વાહનો અને લાઉડ સ્પીકર

ઉમેદવારના કાર્યાલય અને પ્રચારના વાહનો માટે ચૂંટણી અધિકારીની પરવાનગી લેવી પડશે. પ્રચારના વાહનોની પરમિટ ફી આર.ટી.ઓ. કચેરીમાં જમા કરાવવાની રહેશે. લાઉડ સ્પીકર વગાડવા માટે સવારના ૮થી રાતના ૧૦ વાગ્યા સુધીની જ મંજૂરી મળી શકશે.

- સિંગલ વિન્ડો સિસ્ટમ

સભા, રેલી અને સરઘસ માટે તંત્ર દ્વારા સિંગલ વિન્ડો સિસ્ટમ કાર્યરત કરવામાં આવી છે. એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ અને મામલતદાર પોલીસનો અભિપ્રાય મેળવીને મંજૂરી આપશે. ચૂંટણી પૂર્ણ થવાના ૪૮ કલાક પહેલા પ્રચાર કાર્ય સંપૂર્ણપણે બંધ કરવાનું રહેશે.

- ડિજિટલ પ્રચાર પર વોચ

પેઈડ ન્યૂઝના મોનિટરિંગ અને કેબલ નેટવર્ક, ડીશ ચેનલો કે સ્થાનિક ચેનલોમાં પ્રચાર માટે જિલ્લા ચૂંટણી અધિકારીના અધ્યક્ષસ્થાને વિશેષ સમિતિ કામગીરી બજાવશે. શૈક્ષણિક સંસ્થાઓ, ધાર્મિક સંસ્થાઓ અને હોસ્પિટલોમાં પ્રચાર કરવા પર પ્રતિબંધ છે.