Get The App

આંગડીયા પેઢીના નામે ઓનલાઇન છેતરપિંડી ઃ યુવાને ૬.૨૦ લાખ ગુમાવ્યા

Updated: Feb 24th, 2026

GS TEAM

Google News
Google News
આંગડીયા પેઢીના નામે ઓનલાઇન છેતરપિંડી ઃ યુવાને ૬.૨૦ લાખ ગુમાવ્યા 1 - image

ટીસીએસના સિનિયર એસોસીએટને ચૂનો લગાવ્યો

જસ્ટ ડાયલ પરથી નંબર મેળવવો ભારે પડયો ઃ પિતાને મોકલવાના નાણાં ગઠિયાઓ સુરતથી ઉપાડી ગયા

ગાંધીનગર :  ગાંધીનગરના સેક્ટર-૨ માં રહેતા અને ટી.સી.એસ. કંપનીમાં સીનીયર એસોસીએટ તરીકે નોકરી કરતા યુવક સાથે આંગડીયા પેઢીના નામે ૬,૨૦ લાખની છેતરપિંડી થઈ હોવાની ઘટના સામે આવી છે. ગઠિયાઓએ જસ્ટ ડાયલ મારફતે માહિતી મેળવી આંગડીયાના વેપારી બનીને વિશ્વાસમાં લઈ નાણાં પડાવી લીધા છે.

હાલમાં છેતરપિંડીની નવી નવી મોડસ ઓપરેન્ડી ગઠિયા અપનાવી રહ્યા છે ત્યારે આ વખતે આંગડિયા પેઢીના નામે ટીસીએસમાં સિનિયર એસોસિયેટ તરીકે કામ કરતા મૂળ જામનગરના અને હાલ ગાંધીનગરના સેક્ટર-૨ ખાતે રહેતા શશાંક સુરેશભાઈ પાટડીયાને છેતરવામાં આવ્યા છે. જે અંગે તેમણે ફરિયાદ નોંધાવી હતી કે, તેમને ચાંદીમાં રોકાણ કરવા માટે જામનગર નાણાં મોકલવાના હતા. આ માટે ગત ૨૯ જાન્યુઆરીના રોજ જસ્ટ ડાયલ પર ફોન કરીને ગાંધીનગરની આંગડીયા પેઢીઓની માહિતી માંગી હતી. માહિતી માંગ્યાના થોડા જ સમયમાં તેના પર મનિષ નામના વ્યક્તિનો ફોન આવ્યો અને પોતે આંગડીયા પેઢી ધરાવે છે તેમ કહી વિશ્વાસમાં લીધો હતો.

મનિષે તેને સેક્ટર-૩માં આવેલી ડી.કે. આંગડીયા પેઢીમાં જવા કહ્યું હતું અને વોટ્સએપ પર ૫ની નોટનો એક ટોકન નંબર મોકલી આપ્યો હતો. જેથી આ ટોકન નંબર બતાવીને ૬.૨૦ લાખ જમા કરાવ્યા હતા. મનિષે એવી ખાતરી આપી હતી કે અડધા કલાકમાં નાણાં જામનગર પહોંચી જશે.

જ્યારે શશાંકના પિતાને જામનગરમાં નાણાં ન મળ્યા, ત્યારે તપાસ કરતા જાણવા મળ્યું કે ગઠીયાઓએ કાવતરું રચીને આ નાણાં જામનગરને બદલે સુરતના કતારગામ સ્થિત ડી.કે. આંગડીયાની બ્રાન્ચમાં ટ્રાન્સફર કરાવી દીધા હતા. ત્યાંથી કિશોર નામનો શખ્સ આ જ ટોકન નંબર બતાવીને નાણાં ઉપાડી ગયો હતો. બીજી તરફ, જામનગરમાં મનુભાઈ નામનો શખ્સ પિતાને નાણાં આપવાના ખોટા વાયદા કરતો રહ્યો હતો. જેથી પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનું જણાતા શશાંક પાટડીયાએ સેક્ટર-૭ પોલીસ મથકમાં મનિષ, કિશોર અને મનુભાઈ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.