Gujarat

હોટલમાં કૂટણખાનાના સમાચારો પ્રસિધ્ધ કરાવ્યાની શંકા પરથી હુમલો

By GS TEAM
13 Jan 20262 mins read
હોટલમાં કૂટણખાનાના સમાચારો પ્રસિધ્ધ કરાવ્યાની શંકા પરથી હુમલો

હોટલ સંચાલક બંધુઓ સહિત ત્રણ સામે ગુનો નોંધાયો

આરોપીઓ હોટલમાં કામ કરતાં યુવક ઉપર હોકી અને પાઇપ વડે તૂટી પડયા, માથામાં સાત ટાંકા લેવા પડયા

રાજકોટ: હોટલમાં કૂટણખાનુ ચાલતું હોવાના અહેવાલો પ્રસિધ્ધ કરાવ્યાની શંકા પરથી હોટલમાં કામ કરતાં વિજય કરશનભાઇ ગોજિયા (ઉ.વ.૨૫, રહે. મૂળ પ્રેમસર ગામ, તા. કલ્યાણપુર) ઉપર ત્રણ આરોપીઓએ હોકી અને પાઇપ વડે હુમલો કર્યાની એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.

જેમાં વિજયે જણાવ્યું છે કે તે હાલ હોટલ મૂનમાં નોકરી કરે છે. હોટલનું કામકાજ તે અને મેનેજર ગૌરાંગ સંભાળે છે. તેના શેઠ ભાવેશભાઈ હાલ ગોવા ફરવા ગયા છે. સોશિયલ મીડિયાના પેઇજ ઉપર મીલપરાની એચ.આર. કિંગ હોટલમાં કૂટણખાનુ ચાલતા હોવાના સમાચારો પ્રસિધ્ધ થયા હતાં.

જે સમાચારો તેના શેઠે પ્રસિધ્ધ કરાવ્યાની શંકા પરથી એચ.આર. કિંગ હોટલના હીરેન પ્રજાપતિએ તેના શેઠને કોલ કર્યો હતો. જેથી તેના શેઠે તેને હીરેનને મળી પોતે સમાચાર પ્રસિધ્ધ નહીં કરાવ્યાનું કહેવા માટે કહ્યું હતું. જેથી ગઇકાલે રાત્રે નવેક વાગ્યે તે હીરેનને મળવા તેની હોટલે ગયો હતો. જ્યાં તેની સમક્ષ તેના શેઠે સમાચારો પ્રસિધ્ધ નહીં કરાવ્યાનો ખુલાસો કર્યો હતો.

આ વખતે હીરેન અને તેના ભાઈ મયુરે તેની સાથે બોલાચાલી કરતાં તે ભાગી પેલેસ રોડ પરના ટી સ્ટોલે પહોંચ્યો હતો. રાત્રે દસેક વાગ્યે તેની હોટલના મેનેજર ગૌરાંગે તેને કોલ કરી ત્રણ અજાણ્યા શખ્સો હોટલે આવી તેને બોલાવતા હોવાનું કહેતા તે હોટલે જવા રવાના થયો હતો. 

હોટલ નજીક પહોંચતાં ત્યાં અગાઉથી હીરેન, તેનો ભાઈ અને મયુર અને વિશાલ નેપાળી હોકી અને પાઇપ સહિતના હથિયારો સાથે ઉભા હતાં. તેને જોઇ તેની ઉપર આ હથિયારોથી તૂટી પડયા હતાં. જેને કારણે તેના માથામાં લોહી નીકળવા લાગ્યું હતું. તેના પરિચિત અને અન્ય લોકો ભેગા થઇ જતાં ત્રણેય આરોપીઓ ભાગી ગયા હતાં.

હોસ્પિટલના તેના માથામાં સાત ટાંકા લેવાયા હતાં. એ ડિવિઝન પોલીસે તેની ફરિયાદના આધારે તપાસ આગળ ધપાવી છે.