ઘોઘા પોલીસ મથકમાં ત્રણ શખ્સો સામે ગુનો નોંધાયો
ચેકિંગ કરવા ગયેલા વીજકર્મીઓને પાઈપ, ઢીંકાપાટું અને લાફા વડે માર મારી ફરજ રૂકાવટ કરી
અમરેલી પીજીવીસીએલમાં ફરજ બજાવતા નાયબ ઈજનેર હેમાંગભાઈ રમેશચંદ્ર મહેતાએ ઘોઘા પોલીસ મથકમાં રૈયા મોહનભાઈ, ગોરધન મોહનભાઈ પરમાર અને અશ્વિન જીવાભાઈ બાંભણીયા (ત્રણેય રહે.ગોરિયાળી રામપર, તા.ઘોઘા) વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી. જેમાં આજે વહેલી સવારથી મામસા પેટા વિભાગિય કચેરી અંતર્ગત આવતા ઘોઘા તાલુકાના ગામડાઓમાં વીજ ચેકિંગમા હતા અને આ ચેકિંગમાં અલગ-અલગ ૧૩ ટીમો હતી. જેમાં તેમની ટીમમાં તેઓ તથા લાઈનમેન હિમાંશુભાઈ જાની અને ડ્રાઈવર હતા અને તેમની ટીમને ઘોઘા તાલુકાના ગોરિયાળી (રામપર) ગામે વીજ ચેકિંગ કરવાનું હતું. જ્યાં એક મકાનમાં ગેરકાયદે વીજ કનેક્શન જણાતા તે મકાનમાં તપાસ કરતા મકાન માલિક રૈયાભાઈ મોહનભાઈ આવી તેમના ઘરનો મેઈન દરવાજો બંધ કરી અહીં ચેકિંગ કરવાનું નથી મારા ઘરમાંથી બહાર નિકળી જાવ તેમ કહી તેમને પ્લાસ્ટિકનો પાઈપ માર્યો તથા ઉક્ત ગોરધનભાઈ અને અશ્વિનભાઈએ આવીએ તેમની સાથે બોલાચાલી કરી લાફા અને ઢીકા પાટુંનો માર માર્યો હતા. આ દરમિયાન તેમની ટીમના લીડર સુર્યદિપસિંહને ફોન કરતા તેમની ટીમના માણસોને પણ ઉક્ત લોકોએ અપશબ્દો કહી ગેરવર્તન કર્યું હતું. આ અંગે ઘોઘા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
હુમલો થઈ ગયા પછી છેલ્લે જીઈબીની પોલીસ આવી
પીજીવીસીએલ દ્વારા વીજચેકિંગ માટે વીજકર્મીઓને પોલીસ પ્રોટેક્શન આપવામાં આવે છે. પરંતુ ગોરિયાળી (રામપર) ગામે ગેરકાયદેસર વીજ કનેક્શન જણાતા મકાનમાં ચેકિંગ કરવા ગયેલી ટીમ સાથે એક પણ પોલીસ કર્મચારી સાથે નહોતો અને હુમલો થઈ ગયા પછી છેલ્લે જીઈબીની પોલીસ આવી હતી.


