Get The App

સિહોરમાં વૃદ્ધા પર હુમલાનો બનાવ હત્યામાં પરિણમ્યો

Updated: Feb 15th, 2026

GS TEAM

Google News
Google News
સિહોરમાં વૃદ્ધા પર હુમલાનો બનાવ હત્યામાં પરિણમ્યો 1 - image

- પાડોશમાં રહેતા શખ્સે કુહાડી વડે હુમલો કર્યો હતો

- સારવાર દરમિયાન વૃદ્ધાનું મોત નિપજ્યું : હત્યાની કલમનો ઉમેરો થશે

ભાવનગર : સિહોરમાં કચરો ફેંકવા મુદ્દે બે દિવસ પૂર્વે વૃદ્ધા પર કુહાડી વડે હુમલો કરી ગંભીર ઈજા પહોંચાડવાના બનાવમાં વૃદ્ધાનું સારવાર દરમિયાન મોત નિપજતા બનાવ હત્યામાં પરિણમ્યો છે. સિહોર પોલીસે બનાવ વખતે હત્યાના પ્રયાસની કલમ ઉમેરી આરોપીને ઝડપી જેલહવાલે કરી દીધો હતો. હવે વૃદ્ધાનું મૃત્યું નિપજતા પોલીસ આ મામલે હત્યાના કલમનો ઉમેરો કરવા કાર્યવાહી હાથ ધરી છે.

સિહોરના મોટા ચોક રૂખડાવાળી શેરીમાં રહેતા ધર્મેશભાઈ રામજીભાઈ પલાણીયાએ સિહોર પોલીસ મથકમાં તેમની શેરીની સામે રહેતા ભુપત શાંતીભાઈ હરિયાણી (રહે.સિહોર) વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી. જેમાં ગત તા.૧૨-૦૨ના રોજ સવારે પોણા દસ કલાકના અરસામાં તેમના માતા હિરાબેન રામજીભાઈ પલાણીયા (ઉ.વ.૮૦) કચરો ફેંકવા શેરીમાં જતા હોય જેની દાઝ રાખી તેમની શેરીની સામે રહેતા ઉક્ત ભુપતભાઈએ તેમના માતાના માથાના ભાગે કુહાડી વડે જીવલેણ હુમલો કરી ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. જેમને સારવાર માટે સિહોર સરકારી દવાખાના બાદ ભાવનગરની સર ટી.હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા હતા. બીજી તરફ સિહોર પોલીસે ભુપત શાંતીભાઈ હરિયાણી વિરૂદ્ધ હત્યાના પ્રયાસની કલમ હેઠળ ગુનો નોંધી ઝડપી લઈ જેલહવાલે કર્યો હતો. જે બાદ હિરાબેનનું સર ટી.હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નિપજતા બનાવ હત્યામાં પરિણમ્યો હતો. આ મામલે સિહોર પોલીસે આ મામલે હત્યાના કલમનો ઉમેરો કરવા કાર્યવાહી હાથ ધરી છે.