Get The App

આજવારોડ પર દારૃ પીને મર્સિડીઝ કાર ચલાવતા વેપારીએ દંપતીને અડફેટે લીધું

અકસ્માત કરીને ભાગવા જતા કારચાલકને લોકોએ ઝડપી પાડી પોલીસને હવાલે કર્યો

Updated: Apr 14th, 2026

GS TEAM

Google News
Google News
આજવારોડ પર   દારૃ પીને મર્સિડીઝ કાર ચલાવતા વેપારીએ દંપતીને અડફેટે લીધું 1 - image

 વડોદરા,ગઇકાલે સાંજે સાત વાગ્યે આજવારોડ કમલાનગર તળાવ પાસે નશેબાજ કારચાલકે મોપેડ સવાર દંપતીને અડફેટે લીધું હતું. લોકોએ કારચાલકને ઝડપી પાડી પોલીસને હવાલે કર્યો હતો. જ્યારે ઇજાગ્રસ્ત સારવાર  હેઠળ હોસ્પિટલમાં છે.

બાપોદ સાંનિધ્ય ટાઉનશિપમાં રહેતા ૬૫ વર્ષના  પ્રીતમભાઇ સિકલીગર નિવૃત્ત જીવન ગુજારે છે.ગઇકાલે સાંજે તેઓ  પત્ની સાથે મોપેડ લઇને આજવારોડ કમલાનગર તળાવ પાસે શાકભાજી લેવા જતા હતા. સાંજે સાત વાગ્યે એક કારચાલકે પાછળથી ટક્કર મારતા દંપતીને ઇજા થઇ હતી. અકસ્માત કરીને ભાગવા જતા કારચાલકને લોકોએ પીછો કરીને ઝડપી પાડી પોલીસને કોલ કર્યો હતો. પોલીસને મેસેજ મળતા પી.સી.આર. વાન ઘટના સ્થળે પહોંચી હતી. કારચાલક અને તેના બે મિત્રોને બાપોદ પોલીસ સ્ટેશન લઇ જવામાં આવ્યા હતા. કારચાલકનું નામ હાર્દિક દિનેશભાઇ પંચાલ, ઉંં.વ.૩૫ (રહે. વ્રજલીલા સોસાયટી, આનંદબાગની પાછળ, તરસાલી) હોવાનું જાણવા મળ્યું હતું. કારમાં પાછળની સીટ પર તુષાર દિલીપભાઇ સપકાલ, ઉં.વ.૩૪ (રહે.પરિશ્રમ સોસાયટી, સોમા તળાવરોડ) તથા વિપુલ રણછોડભાઇ માળી, ઉં.વ.૩૮ (રહે. માળી મહોલ્લો, વડસર ગામ) બેઠા  હતા. આ ત્રણેયે દારૃનો નશો કર્યો હોઇ પોલીસે ત્રણેયની સામે અલગ - અલગ ગુનો દાખલ કરી ૨૦ લાખની મર્સિડીઝ કાર કબજે લીધી છે. પોલીસે જણાવ્યું હતું કે, હાર્દિકના પિતાની મકરપુરા પોલીસ સ્ટેશનમાં ફેક્ટરી છે. જ્યારે તેના બે મિત્રો તુષાર અને વિપુલ સેલ્સમેનની નોકરી કરે છે. ત્રણેય મિત્રો છે. તેઓએ  ક્યાં અને કોની સાથે દારૃ પીધો હતો. તે અંગે પોલીસે તપાસ  હાથ ધરી છે.