Get The App

'રોડ નહીં તો વોટ નહીં...', પારડીના ગોયમા ગામે લાગ્યા બેનરો, ચૂંટણી બહિષ્કારની પણ ચીમકી

Updated: Apr 6th, 2026

GS TEAM

Google News
Google News
'રોડ નહીં તો વોટ નહીં...', પારડીના ગોયમા ગામે લાગ્યા બેનરો, ચૂંટણી બહિષ્કારની પણ ચીમકી 1 - image


Gujarat Local Body Election: ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જાહેરાત થતાં જ એક તરફ રાજકીય ગરમાટો વ્યાપી ગયો છે તો બીજી તરફ ચૂંટણી વેળા વિકાસના કામો અંગે આશ્વાસન આપતા નેતાઓ સામે વિરોધ ઉઠ્યો છે. પારડી તાલુકાના ગોયમા ગામે છેલ્લા અઢી દાયકાથી મીઢોળી ફળિયામાં પાકો રસ્તો નહી બનતા ઠેરઠેર રોડ નહીં તો વોટ નહીંના બેનરો લગાવી વિરોધ કરવામાં આવી રહ્યો છે.

એક તરફ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જાહેરાત થતાં રાજકીય પક્ષો દ્વારા ઉમેદવારોની પસંદગીની પ્રક્રિયા હાથ ધરાઈ રહી છે. તો બીજી તરફ ચૂંટણી જાહેર થતાં જ વિકાસના કામો અંગે વચનો આપનારા નેતા અને પક્ષ સામે લોકોમાં વિરોધનો વંટોળ શરૂ થયો છે. પારડી તાલુકાના ગોયમા ગામે મીઢોળી ફળિયામાં વર્ષોથી લોકો કાચા રસ્તાને કારણે આવાગમન કરવામાં પારવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. છેલ્લા અઢી દાયકાથી દર ચૂંટણીમાં રાજકીય નેતાઓ રહીશોને રસ્તાની સુવિધા કરવામા આવશે એવા વચનો આપવામાં આવતા હતા.

ચૂંટણી વેળા મત મેળવવા મતદારોને વાયદાઓ કર્યા બાદ જીતી ગયા બાદ મતદારોની વેદના અને મુશ્કેલીઓ ભુલી જવાતી હોય છે. મીઢોળી ફળિયામાં પાકો રસ્તો નહી બનાવાતા ચૂંટણી જાહેર થતાં જ મતદારો પણ આક્રમક મુડમાં આવી ગયા છે. એટલું જ નહી પણ આ મામલે લોકોએ ભારે વિરોધ સાથે ઠેરઠેર રોડ નહીં તો વોટ નહીના બેનરો લગાવવામાં આવ્યા છે. લોકોએ નેતાઓને ચૂંટણી વેળા અપાતા પોકળ વચનો સામે ચૂંટણી પૂર્વેજ પોતાનો પરચો બતાવી દીધો છે. લોકોના આ વિરોધને કારણે ચૂંટણીના પરિણામ પર કેવી અસર પડશે તે જોવું રહ્યું.