Get The App

વીજ વિભાગની ઘોર બેદરકારી: થરાદના ખાનપુર ગામે વીજ કરંટથી નીલગાય અને શ્વાનનું મોત, જીવંત તાર જમીન પર પડેલો હતો

Updated: Mar 29th, 2026

GS TEAM

Google News
Google News
Tharad News


Tharad News : થરાદના ખાનપુર ગામે વીજ વિભાગની ગંભીર બેદરકારીનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. ગામના પ્લોટ વિસ્તારમાં જીવંત વીજ વાયર તૂટી જમીન પર પડી જતાં એક શ્વાન અને એક નીલ ગાયનું કરૂણ મોત નીપજ્યું હતું. આ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ભય અને રોષનું વાતાવરણ ઉભું કર્યું છે. 

થરાદના ખાનપુર ગામે વીજ કરંટથી નીલગાય અને શ્વાનનું મોત

ગામલોકોના જણાવ્યા મુજબ, આ વિસ્તારમાં લાંબા સમયથી વીજ વાયર ઢીલા અને જોખમી હાલતમાં હતા. અનેક વખત ડેપ્યુટી એન્જિનિયર તથા સંબંધિત અધિકારીઓને મૌખિક અને લેખિત રજૂઆતો કરવામાં આવી હોવા છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવી નહોતી. વીજ તંત્ર દ્વારા વારંવાર અવગણના કરવામાં આવતા આખરે આ દુર્ઘટના બની હોવાનું ગ્રામજનોએ આક્ષેપ કર્યો છે.

ઘટનાની વિગત મુજબ, તૂટી પડેલો વાયર જીવંત હાલતમાં હતો જેના કારણે આસપાસથી પસાર થતા નિર્દોષ પ્રાણીઓ તેના સંપર્કમાં આવતા જ વીજ પ્રહારથી મોતને ભેટ્યા હતા. સદનસીબે આ બનાવમાં કોઈ માનવીય જાનહાનિ થઈ નથી. ઘટના બાદ ગામ લોકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો હતો અને જવાબદાર અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે. 

આ પણ વાંચો: અમદાવાદ: સરખેજમાં પાર્સલની આડમાં ચાલતું દારૂનું નેટવર્ક ઝડપાયું, 4,401 બોટલો સાથે રાજસ્થાનના શખસની ધરપકડ

સ્થાનિકોએ તાત્કાલિક ખામીગ્રસ્ત લાઇનને દુરસ્ત કરવા અને ભવિષ્યમાં આવી ઘટના ન બને તે માટે નિયમિત દેખરેખ રાખવા માગણી કરી છે. આ બનાવ વીજ વિભાગની કામગીરી પર પ્રશ્નચિહ્ન ઊભું કરે છે. જો સમયસર યોગ્ય પગલાં લેવામાં આવ્યા હોત તો નિર્દોષ પ્રાણીઓના જીવ બચી શક્યા હોત. હવે જોવાનું રહ્યું કે તંત્ર આ ઘટનાથી કોઈ પાઠ શીખે છે કે નહીં.