Get The App

ક્ષોભજનક સ્થિતિ : વેરાવળમાં ભાજપના મહિલા ઉમેદવારો 'ઘેરહાજર', પતિદેવો મંચ પર બિરાજ્યા

Updated: Apr 15th, 2026

GS TEAM

Google News
Google News
ક્ષોભજનક સ્થિતિ : વેરાવળમાં ભાજપના મહિલા ઉમેદવારો 'ઘેરહાજર', પતિદેવો મંચ પર બિરાજ્યા 1 - image

Gujarat Local Body Elections 2026: ગીર સોમનાથ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો માહોલ ગરમાયો છે, ત્યારે ભાજપના ‘વિજય વિશ્વાસ સંમેલન’માં એક વિચિત્ર અને પક્ષ માટે ક્ષોભજનક સ્થિતિ સર્જાઈ હતી. ભાજપે જે મહિલાઓને ઉમેદવાર તરીકે મેદાનમાં ઉતાર્યા છે, તેઓ સંમેલનમાં ગેરહાજર રહી હતી અને તેમના બદલે તેમના ‘પતિદેવો’ ભારે ઉત્સાહ સાથે સ્ટેજ ગજવવા આવી પહોંચ્યા હતા. આ બાબતને ગંભીરતાથી લઈ સાંસદ અને ધારાસભ્યએ જાહેરમાં ‘પતિદેવો’ને આડે હાથ લીધા હતા.

અતિ ઉત્સાહમાં સ્ટેજ ગજવવા પહોંચેલા ‘પતિદેવો’ની જાહેરમાં જ સાંસદ અને ધારાસભ્યએ ટીકા કરીને આડે હાથ લીધા

વેરાવળમાં ભાજપ દ્વારા તાલુકા-જિલ્લા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણીઓ જીતવા માટે વિજય વિશ્વાસ સંમેલન બોલાવવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ ચૂંટણી વ્યૂહરચના ઘડવાનો અને ઉમેદવારોનો પરિચય કરાવવાનો હતો. જો કે, આશ્ચર્યની વાત એ હતી કે જે બેઠકો પર મહિલા ઉમેદવારોને ટિકિટ આપવામાં આવી હતી, ત્યાં મહિલાઓના બદલે તેમના પતિઓ હાજર રહ્યા હતા. એટલું જ નહીં, સોશિયલ મીડિયામાં પણ મહિલા ઉમેદવારોના ફોટાના બદલે તેમના પતિઓ પોતાના ફોટા મૂકીને વિજયી બનાવવાની અપીલો કરી રહ્યા છે. જાણે સત્તા પર મહિલા નહીં પણ તેમના પતિ જ બિરાજવાના હોય તેવો માહોલ ઊભો થતા કાર્યકરોમાં કાનાફૂસી શરૂ થઈ હતી.

આ પણ વાંચો: યાદ કરો વો દિન... સરદાર પટેલે સ્થાનિક સ્વરાજ્યમાં મહિલા અનામતની શરૂઆત કરાવી હતી

આખરે મંચસ્થ જૂનાગઢ-ગીર સોમનાથના સાંસદ રાજેશ ચુડાસમાને વાત ધ્યાને આવતા વિવાદ ઘેરો બને નહીં એટલે ડેમેજ કંટ્રોલ માટે મંચ પરથી સંબોધન કરતા જણાવ્યું હતું કે, 'દેશમાં નારી શક્તિ વંદન અધિનિયમ અંતર્ગત 33 ટકા મહિલા અનામત બિલ આવવાનું છે. ભાજપ મહિલાઓને નેતૃત્વમાં આગળ લાવવા માંગે છે. જો બહેનોને ટિકિટ આપી હોય તો તેમને મીટિંગોમાં લાવો અને પ્રચારમાં ઉતારો. જો ભવિષ્યમાં તમારે તમારી પત્નીને ધારાસભ્ય કે સાંસદ બનતા જોવા હોય, તો તેમને અત્યારથી જ પ્લેટફોર્મ પૂરું પાડવું પડશે. યાદ રાખજો, પાર્ટી દરેક પ્રવૃત્તિની નોંધ લઈ રહી છે.'

ધારાસભ્ય ભગવાન બારડે પણ પતિદેવોને ટકોર કરી કે, 'મહિલા ઉમેદવારને જ્યાં ચૂંટણી લડવાની છે એ ગામ તો બતાવો! તેમને ઘરની બહાર લાવો અને પ્રચારમાં સાથે રાખો. જો માત્ર પતિદેવો જ અતિ ઉત્સાહમાં આવીને વહીવટ સંભાળવા લાગશે, તો પક્ષની છબી ખરાબ થશે. લોકોમાં ખોટો સંદેશ જશે.'