રાજપીપલા, તા.૨૩ નર્મદા જિલ્લામાં ઉત્તરવાહિની પંચકોષી પરિક્રમા તા.૧૯મી માર્ચથી શરૃ થઈ છે. આ પરિક્રમા માટે સમગ્ર ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ સહિત દેશના અન્ય પ્રાંતમાંથી શ્રદ્ધાળુઓ આવતા હોય છે. પરિક્રમામાં અવ્યવસ્થા ના સર્જાય તે માટે નર્મદા જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં અધિકારીઓ, એજન્સીના પ્રતિનિધિઓ અને બોટ સંચાલકો સાથે બેઠક યોજાઈ હતી.
પરિક્રમા અર્થે આવતા ભક્તોને નર્મદા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે કે, શનિવાર કે જાહેર રજાના અથવા ધામક તહેવારની રજાની આગલી રાત્રે આવતા હોય છે, તેવા ભક્તો મંગળવાર-બુધવાર-ગુરૃવાર જેવા સામાન્ય દિવસોમાં આવે તો શ્રદ્ધાળુઓને વહીવટી તંત્ર દ્વારા સારી સુવિધા પૂરી પાડી શકાય છે.
જિલ્લા કલેક્ટર એસ.કે.મોદીએ જણાવ્યું હતું કે શનિ-રવિવારની રજા તથા રામનવમીની રજાના દિવસોમાં આવનારા શ્રદ્ધાળુઓ માટે કેટલાંક મહત્વના નિર્ણયો લેવાયા છે, જેમાં પ્રથમ તો પોલીસ વિભાગ દ્વારા સ્ટેગરિંગ એટલે કે ટુકડે ટુકડે પદ્ધતિથી પરિક્રમાર્થીઓને જવા દેવામાં આવશે. બે જગ્યાએ આ પદ્ધતિ અમલમાં આવશે. (૧) તિલકવાડા ત્રણ રસ્તા પાસે અને (૨) વાવડી રોડથી રામપુરા જવાના રોડ પર.
આ ઉપરાંત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડની વેબસાઈટ પર રજિસ્ટ્રેશન કરાવવું જરૃરી છે, તા.૨૫થી ૩૦ માર્ચ સુધી આ વેબસાઈટ પર રજિસ્ટ્રેશન જેમણે કરાવ્યું હશે, તેમને જ પરિક્રમા અર્થે જવા દેવામાં આવશે. ત્યારબાદ બીજા રજાના દિવસો એટલે કે, ૨-૩-૪-૧૧ અને ૧૩ એપ્રિલના દિવસોમાં રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત રહેશે.
જ્યારે નદી પાર કરવા બોટમાં બેસતી વખતે શ્રદ્ધાળુઓએ ફરજિયાતપણે લાઈફ જેકેટ પહેરવાનં૩ રહેશે. લાઈફ જેકેટ નહીં પહેરનાર શ્રદ્ધાળુઓ પાસેથી દંડની વસૂલાત કરવા અંગે પણ વિચારણા કરવામાં આવી છે.


