વદોડના ગોકુલધામ આવાસની ગુમ બાળા સાથે જઘન્ય ઘટનાઃ પોર્ન વિડીયો જોઇ પડોશીની અઢી વર્ષની બાળાનું અપહરણ બાદ દુષ્કર્મ કરી હત્યા
- મૂળ બિહારના 35 વર્ષના ગુડ્ડુકુમાર યાદવે સૃષ્ટિ વિરૂધ્ધનું કૃત્ય આચરી માસૂમ બાળાનું મોઢું અને નાક દબાવી શ્વાસ રૂંધાવી હત્યા કરી દીધી
- દિવાળી રાતે બાળા ઘરના આંગણેથી ગૂમ થઇ હતીઃ ઘરથી 500 મીટરના અંતરે બે સંતાનના પિતા એવા નરાધમે બાળકીને પીંખી નાંખી મોતને ઘાટ ઉતારી દીધી
- ત્રણ દિવસ બાદ બાળાની લાશ મળ્યા બાદ માસૂમ સાથે જધન્ય કૃત્ય આચરનાર પડોશી એવો નરપિશાચ સીસીટીવી ફૂટેજના આધારે ઝડપાયો
સુરત
વડોદ ગામ વિસ્તારમાં રહેતા પરપ્રાંતિય પરિવારની દિવાળીની રાત્રે ઘરના આંગણામાંથી ભેદી સંજોગોમાં ગુમ થયેલી અઢી વર્ષની માસૂમ બાળાનું અપહરણ કરી દુષ્કર્મ આચરી નાક અને મોઢું દબાવી ગુંગળાવીને હત્યા કર્યા બાદ ફેંકી દેવાયેલી લાશ માસૂમના ઘરથી 500 મીટરના અંત્તરે ઝાડીમાંથી મળી આવતા ચકચાર મચી જવા પામી છે. જો કે પોલીસે ટેક્નિકલ સર્વેલન્સના આધારે માસૂમ સાથે જધન્ય કૃત્ય આચરી મોતને ઘાત ઉતારનાર નરાધમ પડોશી એવા બે સંતાનના પિતાની ધરપકડ કરી છે.
વડોદા ગામ વિસ્તારમાં રહેતા બિહારના અરવલ જિલ્લાનો દેવેન્દ્ર મીસ્ત્રી (ઉ.વ. 24 નામ બદલ્યું છે) દિવાળીની રાત્રે રહેણાંક સોસાયટીમાં ડી.જે વાગી રહ્યું હોવાથી તે જઇ રહ્યો હતો. ડી.જે જોવા જવા પૂર્વે ઘરના આંગણામાં રમી રહેલી અઢી વર્ષની મોટી પુત્રી પ્રિયંકા (નામ બદલ્યું છે) ને વેફરનું પેકેટ અપાવ્યું હતું. અડધો કલાકમાં ડી. જે જોઇ પરત આવ્યો ત્યારે ઘરના આંગણામાં રમી રહેલી વ્હાલસોયી પુત્રી પ્રિયંકા ભેદી સંજોગોમાં ગુમ થઇ ગઇ હતી. જેથી પત્ની અને પડોશીઓની મદદથી સ્થાનિક વિસ્તારમાં શોધખોળ કરી હતી. પરંતુ પત્તો નહીં મળતા પાંડેસરા પોલીસને જાણ કરી હતી. બાળકી ગુમ થયાની બાબતને ગંભીરતાથી લઇ એસીપી જય પંડયા, પીઆઇ એ.પી. ચૌધરી અને પીએસઆઇ એ.જી. રબારી સહિતના અધિકારીઓ દેવેન્દ્રના ઘરે ઘસી જઇ શોધખોળ શરૂ કરી હતી. પાંડેસરા પોલીસની સાથે ક્રાઇમ બ્રાંચ, એસઓજી, સચિન અને સચિન જીઆઇડીસી પોલીસના જવાનોની અલગ-અલગ ટીમ બનાવી સ્થાનિક વિસ્તાર અને ટેક્નિકલ સર્વેલન્સના આઘારે તપાસ શરૂ કરી હતી.
જે અંતર્ગત સ્થાનિક વિસ્તારના સીસીટીવી ફૂટેજમાં એક અજાણ્યા યુવાન સાથે માસૂમ જતા નજરે પડતા તેના પર તપાસ કેન્દ્રીત કરી હતી. જો કે પ્રિયંકા ગુમ થયાના ત્રીજા દિવસે તેનો મૃતદેહ ઘર નજીકથી અંદાજે 500 મીટરના અંત્તરે પાંડેસરા જીઆઇડીસીની આર્મો ડાઇંગ મીલની પાછળ ખુલ્લા પ્લોટની ઝાડીમાંથી મળી આવી હતી. પોલીસે મૃતદેહનો કબ્જો લઇ ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરાવતા અપહરણ કર્યાના ગણતરીના કલાકોમાં માસૂમ સાથે હવસખોર નરાધમે દુષ્કર્મ અને સૃષ્ટિ વિરૂધ્ધનું નરપિશાચી કૃત્ય આચરી નાક અને મોઢું દબાવી ગુંગળાવીને હત્યા કર્યાનું તબીબોએ જણાવ્યું હતું. દરમિયાનમાં પાંડેસરા પોલીસના હે.કો હરપાલસિંહ દીપસિંહ, દિગ્વિજયસિંહ અજીતસિંહ, પો.કો છત્રપાલસિંહ જયરાજસિંહ અને હરદીપસિંહ પ્રધ્યુમનસિંહને મળેલી બાતમીના આધારે નરાધમ પડોશી ગુડ્ડુકુમાર મધેશ યાદવ (ઉ.વ. 35 રહે. ભગવતીનગર, ગોકુલધામ આવાસની સામે, વડોદ અને મૂળ ખૈરા મઠીયા, જિ. જહાંનાબાદ, બિહાર) ને ઝડપી પાડવામાં સફળતા મેળવી છે.
નરપિશાચી કૃત્ય આચરનાર બે સંતાનના પિતાના મોબાઇલમાંથી પોર્ન વિડીયો મળ્યા
અઢી વર્ષની બાળકી સાથે જધન્ય કૃત્ય આચરનાર નરાધમ ગુડ્ડુકુમાર યાદવ પરિણીત છે અને બે સંતાનનો પિતા છે. પરિવાર વતન બિહારન ખૈરા મઠીયા ગામ ખાતે રહે છે જયારે છેલ્લા 12 વર્ષથી ગુડ્ડુ સુરતમાં રહે છે અને પાંડેસરા જીઆઇડીસીની આર્મો ડાઇંગ મીલમાં નોકરી કરે છે. પોલીસને ગુડ્ડુના મોબાઇલમાંથી કેટલાક પોર્ન વિડીયો મળી આવ્યા છે. દિવાળીની સાંજે તેણે મોબાઇલમાં પોર્ન વિડીયો જોયા હતા અને ત્યાર બાદ ઘરના આંગણામાં રમી રહેલી પ્રિયંકા પર નજર પડતા તેનું અપહરણ કરી બદકામ કર્યાની કબૂલાત કરી હતી.
નરાધમના જધન્ય કૃત્યને પગલે યોનિમાંથી આંતરડા પણ બહાર આવી ગયા હતા
અઢી વર્ષની પ્રિયંકાનું નરાધમ ગુડ્ડુકુમાર યાદવએ અપહરણ કર્યાના ગણતરીના કલાકમાં જ દુષ્કર્મ આચરી જધન્ય કૃત્ય આચાર્યુ હતું. માસૂમના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરનાર તબીબના જણાવ્યા મુજબ બાળકી સાથે એટલી હદે ક્રુરતા કરવામાં આવી હતી કે યોનિમાંથી આંતરડા બહાર આવી ગયા હતા. ઉપરાંત સૃષ્ટિ વિરૂધ્ધનું કૃત્ય પણ આચરવામાં આવ્યું હતું. બાળકીનું મોઢું અને નાક દબાવી શ્વાસ રૂંધાવી હત્યા કરી હોવાથી મોંઢા અને નાક પાસે પણ ઇજાના નિશાન મળી આવ્યા હતા. જો કે મોતનું સ્પષ્ટ કારણ જાણવા માટે વિસેરાના સેમ્પલ લઇ એફએસએલમાં મોકલવામાં આવ્યા છે.
200થી વધુ સીસીટીવીના ફૂટેજ અને 1200થી વધુ રહેણાંક રૂમ ચેક કરી
ભેદી સંજોગોમાં ગુમ થયેલી પ્રિયંકાની શોધખોળ માટે શરૂઆતમાં પાંડેસરા પોલીસ ટીમ દોડધામ કરી રહી હતી. જો કે ત્યાર બાદ ક્રાઇમ બ્રાંચ, એસઓજી, સચિન અને સચિન જીઆઇડીસી પોલીસના જવાનોનો પણ સામેલ કરવામાં આવ્યા હતા. જેમાં 200થી વધુ પોલીસ જવાનોની 20થી વધુ ટીમ બનાવવામાં આવી હતી. પોલીસે બાળકીની શોધખોળ માટે સ્થાનિક વિસ્તારની 1200થી વધુ રૂમ ચેક કરી હતી અને 12000થી વધુ લોકોની પૂછપરછ કરી હતી. 1000થી વધુ પોસ્ટર છપાવી લાઉડ સ્પીકરની પણ મદદ લીધી હતી. જયારે 200થી વધુ સીસીટીવી ફૂટેજ ચેક કર્યા હતા અને તેના આધારે પોલીસને નરાધમ ગુડ્ડુ યાદવનું પગેરૂ મેળવવામાં સફળતા મળી હતી.
દુષ્કર્મ બાદ નરાધમ મિત્રના ઘરે ચાલ્યો ગયો, ગત રાત્રે પરત આવ્યો અને પોલીસે દબોચી લીધો
પોર્ન વિડીયો જોયા બાદ અઢી વર્ષની બાળકીનું અપહરણ કરી દુષ્કર્મ કરનાર નરાધમ ગુડ્ડુકુમાર યાદવ કંઇ બન્યું નથી તેવી રીતે પાંડેસરાના શાસ્ત્રીનગરમાં રહેતા તેના હમવતની મિત્રના રૂમમાં ચાલ્યો ગયો હતો. જયાં દિવાળીની રાત, નવું વર્ષ અન ભાઇબીજ એમ ત્રણ દિવસ ત્યાં જ રોકાયો હતો. પરંતુ ગત મોડી રાત્રે તે પરત પોતાના ઘરે આવ્યો હતો. બીજી તરફ પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે નરાધમને શોધી રહી હતી. જે અંતર્ગત ગુડ્ડુની સંડોવણીની ભાળ મળી જતા પોલીસે તેને દબોચી લીધો હતો.