Get The App

નેતાઓ રસ્તો ભૂલ્યા, પણ મતદારો ફરજ નહીં: નસવાડીના ગામડાંમાં પાકા રસ્તા હજુ પણ ‘ઝાંઝવાના જળ’

Updated: Apr 24th, 2026

GS TEAM

Google News
Google News
નેતાઓ રસ્તો ભૂલ્યા, પણ મતદારો ફરજ નહીં: નસવાડીના ગામડાંમાં પાકા રસ્તા હજુ પણ ‘ઝાંઝવાના જળ’ 1 - image

Chhota Udepur Ground Reality: વિકાસની મોટી મોટી ગુલબાંગો વચ્ચે છોટા ઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાનું એક એવું ગામ સામે આવ્યું છે, જ્યાં આજે પણ આઝાદીના અવશેષો જેવી સ્થિતિ જોવા મળે છે. નર્મદા નદીના કિનારે અને ડુંગરોની તળેટીમાં વસેલા પીપલવાણી ગામના પાંચ ફળિયાના લોકો વર્ષોથી પાકા રસ્તા માટે વલખાં મારી રહ્યા છે. આશ્ચર્યની વાત એ છે કે, જે રસ્તે નેતાઓ પ્રચાર કરવા પણ નથી આવતા, તે જ કાચા રસ્તે ચાલીને ગ્રામજનો 'લોકશાહી' જીવંત રાખવા મતદાન કરવા જાય છે.

રસ્તાના નામે માત્ર ધૂળ અને પથ્થર

પીપલવાણી ગામના ઘાટા ફળિયા, નિશાળ ફળિયા, બૂડા ફળિયા, મોરફરી ફળિયા અને ટેકરા ફળિયામાં અંદાજે 500થી વધુ લોકો વસવાટ કરે છે. ગામ સુધી પહોંચવાનો મુખ્ય રસ્તો છે, પરંતુ આ પાંચ ફળિયાઓને જોડતા આંતરિક રસ્તાઓ આજે પણ કાચા છે. ગામના બાળકોને 2થી 3 કિલોમીટર દૂર આવેલી પ્રાથમિક શાળાએ દરરોજ કાચા અને પથરાળ રસ્તે ચાલીને જવું પડે છે. ગ્રામજનોનો આક્ષેપ છે કે બીમારીના સમયે 108 એમ્બ્યુલન્સ પણ ફળિયા સુધી પહોંચી શકતી નથી. દર્દીઓને ઝોલીમાં નાખીને મુખ્ય રસ્તા સુધી લાવવા પડે છે.

આ પણ વાંચો: સુરતમાં 3 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ, અગાસી પર ચઢી બાથરૂમમાં આચરી હેવાનિયત, પરપ્રાંતીય નરાધમની ધરપકડ

25 વર્ષથી નેતાઓનું મોઢું જોયું નથી!

ગ્રામજનોના જણાવ્યાનુસાર, છેલ્લા 25 વર્ષથી કોઈ રાજકીય પક્ષના મોટા નેતાએ આ ગામની મુલાકાત લીધી નથી. કાચા રસ્તાને કારણે નેતાઓ પ્રચાર માટે આવવાનું ટાળે છે, પરંતુ ગ્રામજનો પોતાની ફરજ ચૂકતા નથી. સ્થાનિક ગ્રામજનોનું કહેવું છે કે, 'અમને આશા છે કે જો અમે મતદાન કરીશું, તો કદાચ કોઈ નેતા જીત્યા બાદ અમારા ફળિયાના રસ્તા બનાવી આપશે. અમે મતદાનનો બહિષ્કાર નથી કરતા, કારણ કે લોકશાહીમાં અમને આશા છે.' 

ઢોલ વગાડીને સરકારને જગાડવાનો પ્રયાસ

તાજેતરમાં જ ગ્રામજનોએ એકઠા થઈને ઢોલ વગાડી રસ્તાની માંગણી સાથે દાખાવો કર્યો હતો. ચોમાસાની ઋતુમાં આ રસ્તાઓ કાદવ-કીચડમાં ફેરવાઈ જાય છે, જેના કારણે અવરજવર અશક્ય બની જાય છે. ધારાસભ્ય, સાંસદ કે પંચાયતના હોદ્દેદારો માત્ર ચૂંટણી સમયે દેખાય છે અથવા તો આ અંતરિયાળ વિસ્તાર તરફ ફરકતા પણ નથી તેવો આક્ષેપ ગ્રામજનો કરી રહ્યા છે. હવે જોવાનું એ રહે છે કે, સ્થાનિક સ્વરાજ્યની આ ચૂંટણીમાં પણ માત્ર વચનો જ મળશે કે પછી પીપલવાણીના પાંચ ફળિયાના લોકોને ખરેખર પાકો રસ્તો મળશે?