Get The App

'જેની પાસે દુકાન નથી એ ઉધાર આપવા નીકળ્યા છે', ચૈતરના ગઢમાં મનસુખ વસાવાના આકરા પ્રહાર

Updated: Apr 24th, 2026

GS TEAM

Google News
Google News
'જેની પાસે દુકાન નથી એ ઉધાર આપવા નીકળ્યા છે', ચૈતરના ગઢમાં મનસુખ વસાવાના આકરા પ્રહાર 1 - image


Gujarat Local Body Elections 2026: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પ્રચારના અંતિમ પડાવમાં નર્મદા જિલ્લામાં રાજકારણનો પારો ચરમસીમાએ પહોંચ્યો છે. ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ ગતરાત્રે આપ ધારાસભ્ય ચૈતર વસાવાના ગઢ ગણાતા ચીકદા ગામે જંગી જનસભા ગજવી હતી. આ દરમિયાન તેમણે 'આમ આદમી પાર્ટી અને ચૈતર વસાવા પર અત્યંત આક્રમક શૈલીમાં શાબ્દિક પ્રહારો કરી રાજકીય ગરમાવો વધારી દીધો છે.

આપની તો દુકાન જ નથી: સાંસદના તીખા પ્રહારો

સાંસદ મનસુખ વસાવાએ આપ (AAP) અને તેના નેતાઓને આડે હાથ લેતા જણાવ્યું હતું કે, 'આ આલિયા-મવાલિયા લોકો વિકાસના કામો ન કરી શકે. આમ આદમી પાર્ટીની તો પોતાની કોઈ દુકાન જ નથી, છતાં તેઓ લોકોને ઉધાર આપવા નીકળ્યા છે. ચૈતર વસાવા અને તેમની કંપની માત્ર લોકોને છેતરવાનું કામ કરી રહી છે.'

આ પણ વાંચો: અમદાવાદના બાપુનગરમાં SOGના દરોડા, 4 લાખના ગાંજા સાથે બે રીઢા ગુનેગારો ઝડપાયા

ગંભીર આક્ષેપો અને 'તડીપાર' મુદ્દે સ્પષ્ટતા

સભા દરમિયાન સાંસદે અનેક ગંભીર મુદ્દાઓ પર પ્રહારો કર્યા હતા.  તેમણે આક્ષેપ કર્યો કે 'આપનો ડેડિયાપાડા તાલુકા પ્રમુખ TDO પાસે દિવાળી કરવા માટે પૈસાની માંગણી કરે છે. '

ચૈતર વસાવા પરના 19 કેસોનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે, 'ચૈતરને મનસુખ વસાવાએ નહીં પણ કોર્ટે તડીપાર કર્યો છે. તે લોકોને વિકાસના નામે ગેરમાર્ગે દોરી રહ્યા છે. ચૈતર વસાવાના ગામ બોગજમાં સભા કરવાની હિંમત માત્ર મનસુખ વસાવા જ કરી શકે.'

જિલ્લા પંચાયતમાં ભાજપની જીતનો દાવો

ચૂંટણી પરિણામો અંગે ભવિષ્યવાણી કરતા સાંસદે જણાવ્યું હતું કે, 'નર્મદા જિલ્લા પંચાયતમાં ભાજપ 15 થી 20 બેઠકો મેળવશે. આમ આદમી પાર્ટીનો સંપૂર્ણ સફાયો થઈ જશે અને કદાચ બાકીની બેઠકો પર કોંગ્રેસ જોવા મળી શકે, પણ 'આપ'ને એક પણ બેઠક નહીં મળે.'