Get The App

નર્મદા પરિક્રમા: તિલકવાડામાં રજિસ્ટ્રેશન મુદ્દે હોબાળો, ભંડારાના સ્વયંસેવકોએ રામધૂન બોલાવી ધરણા કર્યા

Updated: Mar 28th, 2026

GS TEAM

Google News
Google News
નર્મદા પરિક્રમા: તિલકવાડામાં રજિસ્ટ્રેશન મુદ્દે હોબાળો, ભંડારાના સ્વયંસેવકોએ રામધૂન બોલાવી ધરણા કર્યા 1 - image

Narmada Parikrama: નર્મદા પરિક્રમાના માર્ગ પર તિલકવાડા ખાતે રજિસ્ટ્રેશનની પ્રક્રિયાને લઈને સેવાભાવી સંસ્થાઓ અને વહીવટી તંત્ર વચ્ચે ઘર્ષણની સ્થિતિ સર્જાઈ હતી. પરિક્રમા રૂટ પર આવેલા પ્રસિદ્ધ મણીનાગેશ્વર મંદિર ખાતે ચાલતા 24 કલાકના ભંડારામાં સેવા આપવા જઈ રહેલા સ્વયંસેવકોને રજિસ્ટ્રેશન ન હોવાને કારણે રોકવામાં આવતા મામલો બિચક્યો હતો.

સ્વયંસેવકોનો રસ્તા પર જ રામધૂન સાથે દેખાવો

મળતી માહિતી અનુસાર, મણીનાગેશ્વર મંદિર ખાતે અવિરત ચાલતા અન્નક્ષેત્રમાં સેવા આપવા માટે દરરોજ અનેક સ્વયંસેવકો અવરજવર કરતા હોય છે. તિલકવાડા ખાતે જ્યારે આ સ્વયંસેવકોને રોકવામાં આવ્યા, ત્યારે રોષે ભરાયેલા સ્વયંસેવકો રસ્તા પર જ બેસી ગયા હતા અને 'ભારત માતા કી જય', 'નર્મદા માતા કી જય' અને 'જય શ્રી રામ'ના નારા લગાવી વાતાવરણ ગજવી મૂક્યું હતું.

આ પણ વાંચો: અમદાવાદમાં PTC કોલેજમાં અધ્યાપકે વિદ્યાર્થિનીની છેડતી કરતા સસ્પેન્ડ, તપાસ માટે સમિતિની રચના

સમજાવટ બાદ મામલો થાળે પડ્યો

રોજિંદા ધોરણે સેવા માટે જતા લોકોને રજિસ્ટ્રેશનના બહાને હેરાન કરવામાં આવતા હોવાનો આક્ષેપ કરી સ્વયંસેવકોએ 1થી 2 કલાક સુધી ધરણા કર્યાં હતા. જેને પગલે વાહન વ્યવહાર અને પરિક્રમાવાસીઓને પણ અસર પડી હતી. જોકે, બનાવની જાણ થતા સ્થાનિક આગેવાનો અને તંત્ર દ્વારા સમજાવટના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા, ત્યારબાદ અંતે મામલો થાળે પડ્યો હતો અને સ્વયંસેવકોને જવા દેવામાં આવ્યા હતા.

કાયમી આઈ-કાર્ડની માંગ

સેવાભાવી સંસ્થાઓના સભ્યોનું કહેવું છે કે, જે લોકો દરરોજ ભંડારા કે અન્ય સેવાકીય પ્રવૃત્તિ માટે પરિક્રમા રૂટ પર જાય છે, તેમના માટે દરરોજ રજિસ્ટ્રેશન કરાવવું ખૂબ જ અઘરું અને સમય માંગી લેતું હોય છે. આથી, તંત્ર દ્વારા આવા કાયમી સ્વયંસેવકોને ઓળખપત્ર બનાવી આપવા જોઈએ, જેથી સેવાની કામગીરીમાં કોઈ અવરોધ ન આવે.