Get The App

નર્મદા: ધરણા પર બેસેલા ભાજપના મહિલા ધારાસભ્યના ધરણા સમાપ્ત, આદિવાસી સમાજ સમર્થનમાં આવ્યો

Updated: Jun 16th, 2026

GS TEAM

Google News
Google News
નર્મદા: ધરણા પર બેસેલા ભાજપના મહિલા ધારાસભ્યના ધરણા સમાપ્ત, આદિવાસી સમાજ સમર્થનમાં આવ્યો 1 - image

Narmada News: નર્મદા જિલ્લાના રાજપીપળા ખાતે યોજાયેલા સરકારી કાર્યક્રમમાં પ્રોટોકોલ ન જળવાતાં નારાજ થઈને ધરણા પર બેસેલા નાંદોદ વિધાનસભા બેઠકના ભાજપના મહિલા ધારાસભ્ય ડૉ. દર્શનાબહેન દેશમુખના ધરણા હાલ પૂરતા સમાપ્ત થયા છે. જોકે, આ ઘટનાને પગલે નર્મદા જિલ્લાના રાજકારણમાં ભારે ગરમાવો આવી ગયો છે. ધારાસભ્યના સમર્થનમાં હવે સમસ્ત આદિવાસી સમાજ પણ મેદાને આવ્યો છે.

કાર્યક્રમમાં અપમાન થતાં ધારાસભ્યનું વોકઆઉટ 

મળતી માહિતી અનુસાર, વડાપ્રધાનના સુશાસનના 12 વર્ષ પૂર્ણ થવાના અવસરે 15મી જૂનના રોજ રાજપીપળા ખાતે એક ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ દરમિયાન પોતાનું અપમાન થયું હોવાનો અને પ્રોટોકોલ ન જળવાયો હોવાનો દાવો કરીને ભાજપના જ મહિલા ધારાસભ્ય ડૉ. દર્શનાબહેન દેશમુખ કાર્યક્રમ અધવચ્ચે છોડીને નીકળી ગયા હતા. ભારે નારાજ થયેલા ધારાસભ્ય ગાંધી ચોક વડિયા ખાતે ધરણા પર બેસી ગયા હતા અને તેમણે સંગઠન સહિત ધારાસભ્ય પદ પરથી પણ રાજીનામું આપી દેવાની ગંભીર ચીમકી ઉચ્ચારી હતી.

સમસ્ત આદિવાસી સમાજ ધારાસભ્યના સમર્થનમાં આવ્યો

ડૉ. દર્શનાબહેન દેશમુખના ધરણાના સમાચાર વાયુવેગે પ્રસરતા આદિવાસી સમાજમાં ભારે રોષ જોવા મળ્યો હતો. ધારાસભ્યના કાર્યાલય ખાતે સમસ્ત આદિવાસી સમાજના પ્રમુખ, ઉપપ્રમુખ અને અગ્રણી કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં પહોંચ્યા હતા અને ધારાસભ્યને પોતાનું સંપૂર્ણ સમર્થન જાહેર કર્યું હતું. આદિવાસી સમાજના આગેવાનોએ ચીમકી ઉચ્ચારતા જણાવ્યું છે કે, 'જો ધારાસભ્ય ડૉ. દર્શનાબહેનને યોગ્ય ન્યાય નહીં મળે તો આગામી સમયમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે.'

આ પણ વાંચો: પંચમહાલ: ઘોઘંબાના ગુણેસિયા ગામમાંથી ગાંજાની ખેતી ઝડપાઈ, 4 લાખથી વધુના જથ્થા સાથે એકની ધરપકડ

પ્રદેશ કક્ષાના નિર્ણય પર નજર, આંદોલનની તૈયારી

આદિવાસી સમાજના અગ્રણીઓએ સ્પષ્ટ કર્યુ છે કે, જો આ પ્રોટોકોલ વિવાદ મામલે પ્રદેશ કક્ષા (હાઇકમાન્ડ) તરફથી કોઈ યોગ્ય નિર્ણય લેવામાં નહીં આવે, તો સાંસદ મનસુખ વસાવા અને ધારાસભ્ય ડૉ. દર્શનાબહેન દેશમુખ જે પણ નિર્ણય લેશે, તેની સાથે સમગ્ર આદિવાસી સમાજ અડગતાથી ઊભો રહેશે.

બીજી તરફ, ધારાસભ્ય ડૉ. દર્શનાબહેને પણ સમાજનો આભાર માનતા જણાવ્યું હતું કે, 'જો ભવિષ્યમાં ન્યાય મેળવવા માટે સમાજ દ્વારા કોઈ આંદોલન કરવામાં આવશે, તો તેઓ પોતે પણ સક્રિયપણે આ આંદોલનમાં જોડાશે.' હાલ પૂરતા ધારાસભ્યના ધરણા સમેટાઈ ગયા છે, પરંતુ આ વિવાદે નર્મદા ભાજપના આંતરિક વિવાદ સર્જ્યો છે.