નોકરી અપાવવાના બહાને જાસપુર ગામની સીમમાં લઈ જઈ
કલોલના પાંચમા એડિશનલ સેશન્સ કોર્ટનો ચુકાદો સગીરાને પાંચ લાખ વળતર ચૂકવવા પણ હુકમ કરાયો
ગાંધીનગર,કલોલ : સગીર ભત્રીજીને નોકરી અપાવવાના બહાને તેણીને રિક્ષામાં જાસપુર ખાતે અવાવરું જગ્યાએ લઈ જઈ તેની ઉપર બળાત્કાર ગુજરવાના ગુનામાં કલોલના પાંચમા એડિશનલ સેશન્સ કોર્ટ દ્વારા સરકારી વકીલની દલીલોને ગ્રાહી રાખીને આરોપી કાકાને આજીવન કેદીની સજા અને ૫૦ હજાર રૃપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે.
આ કેસની મળતી વિગતો પ્રમાણે મૂળ આણંદ જિલ્લાના સોજીત્રા
તાલુકાના મેઘલપુર ગામનો અને હાલ અમદાવાદના ગોતા વિસ્તારમાં રહેતા રમેશ જયંતીભાઇ
હરીજન દ્વારા ગત માર્ચ ૨૦૨૩માં તેની સગીર વયની ભત્રીજીને નોકરી અપાવવાની લાલચ
આપવામાં આવી હતી અને આ સગીરાને અવારનવાર તેની રિક્ષામાં બેસાડી જાસપુર ગામની
સીમમાં અવાવરું જગ્યાએ લઈ જઈ ત્રણથી ચાર વખત તેની મરજી વિરુદ્ધ બળજબરીથી શરીર
સંબંધ બાંધી દુષ્કર્મ આચર્યું હતું. આ મામલે સાંતેજ પોલીસ સ્ટેશનમાં તેની વિરુદ્ધ
ગુનો દાખલ કરવામાં આવ્યો હતો અને પોલીસ દ્વારા સમગ્ર ગુનાની તપાસ કરીને કલોલના
પાંચમા એડિશનલ સેશન્સ જજ શ્રી બી. આર. રાજપૂતની કોર્ટમાં ચાર્જશીટ કરવામાં આવ્યું
હતું જ્યાં સરકારી વકીલ જીગ્નેશ જોષી દ્વારા ભોગ બનનાર અને તપાસ અધિકારીની જુબાની
લેવામાં આવી હતી તેમજ જરૃરી પુરાવાઓ રજૂ કરીને સમાજમાં વધી રહેલી આ પ્રકારની
ઘટનાઓને પગલે આરોપીને સખતમાં સખત સજા કરવાની માગણી કરવામાં આવી હતી. જે દલીલોને
ગ્રાહ્ય રાખીને કોર્ટ દ્વારા ચુકાદો આપવામાં આવ્યો હતો. જો કે ચુકાદાની શરૃઆત એક
સંસ્કૃત શ્લોકથી કરી હતી. આ શ્લોક દ્વારા કોર્ટે સંદેશ આપ્યો હતો કે દંડ જ તમામ
પ્રાણીઓ પર શાસન કરે છે અને દંડ જ તેમનું રક્ષણ કરે છે. જ્યારે નિર્દોષ લોકો ઊંઘતા
(અસુરક્ષિત) હોય છે, ત્યારે
કાયદાનો દંડ જ જાગતો રહી રક્ષણ કરે છે. કોર્ટે સ્પષ્ટ કર્યું હતું કે સમાજની
સુરક્ષા માટે આવા ગંભીર ગુનાઓમાં કડક સજા અનિવાર્ય છે. જેથી આરોપીને આજીવન કેદની
સજા અને પચાસ હજાર રૃપિયાનો દંડ કરવામાં આવ્યો હતો તેમજ ભોગ બનનારને પાંચ લાખ
રૃપિયાનું વળતર ચૂકવવા પણ આદેશ કરવામાં આવ્યો હતો.


