Gujarat

મોબાઇલમાં યુવતીનો ફોટો રાખવાના મુદ્દે ખૂની હુમલો

By GS TEAM
11 Apr 20261 min read
મોબાઇલમાં યુવતીનો ફોટો રાખવાના મુદ્દે ખૂની હુમલો

વડોદરા,મોબાઇલમાં યુવતીનો ફોટો રાખવાના મુદ્દે ઝઘડો થતા યુવકને પકડી રાખી ખંજરના ઉપરાછાપરી ઘા ઝીંકી હત્યાની કોશિશ કરવામાં આવી હતી. બાપોદ પોલીસે હત્યાની કોશિશનો ગુનો દાખલ કરી વધુ તપાસ  હાથ ધરી છે.

રાજસ્થાનના બાંસવાડાના ગામ સાકડીનાલના રહેવાસી રમેશભાઇ દેવાભાઇ મઇડા હાલમાં આજવારોડ લેપ્રેસી ગ્રાઉન્ડમાં રહે છે.તેમના જિલ્લાના અન્ય લોકો પણ અહીંયા જ રહીને કડિયા કામની મજૂરી કરે છે. તેમના સંબંધીના  દીકરાના મોબાઇલમાં એક યુવતીનો ફોટો હતો. તે બાબતે યુવતીના ભાઇએ તેનો મોબાઇલ બળજબરીથી લઇ લીધો હતો. જે અંગે સાંજે છ વાગ્યે ઝઘડો થયો હતો. તે અંગે અંદરો અંદર સમાધાન થઇ ગયું હતું. તેની અદાવત રાખી રાત્રે આરોપી મકન પ્રભુભાઇ મઇડા  તથા અન્ય ત્રણ સગીરે ભેગા થઇને કાલુ મઇડો પકડી રાખી મકને ખંજર વડે હુમલો કરી કાલુ મઇડાને  છાતી, પેટ, ડાબા હાથ,બાવળા, તથા જમણી  પાંસળી પર ગંભીર ઇજા પહોંચાડી હતી. ઇજાગ્રસ્તને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. જ્યાં તેની  હાલત નાજુક છે.