Get The App

ભાવનગરમાં વેરો નહીં ભરતા ક્રેવ ઇટેબલ સહિતની 20 મિલકતને મનપાએ સીલ માર્યા

Updated: Feb 19th, 2026

GS TEAM

Google News
Google News
ભાવનગરમાં વેરો નહીં ભરતા ક્રેવ ઇટેબલ સહિતની 20 મિલકતને મનપાએ સીલ માર્યા 1 - image

- બુધવારે 105 મિલકત ધારકોએ રૂા. 1.98 કરોડનો વેરો ભર્યો 

- ચાલુ નાણાકીય વર્ષમાં મહાપાલિકાને રૂા. 159.77 કરોડની આવક 

ભાવનગર : ભાવનગર મહાનગરપાલિકાના ઘરવેરા વિભાગ દ્વારા મિલકત વેરો વસુલવાની કામગીરી યથાવત છે, જેના પગલે ઘણાં મિલકત ધારકો વેરો ભરી રહ્યા છે તેથી મહાપાલિકાને હાલ સારી આવક થઈ રહી છે. 

ભાવનગર મહાપાલિકામાં આજે બુધવારે કુલ ૧૦૫ કરદાતાઓ દ્વારા ૧.૯૮ કરોડનો મિલકત વેરો ભરપાઈ કરવામાં આવતાં મહાનગરપાલિકાની ચાલુ નાણાકીય વર્ષની મિલકત વેરાની કુલ આવક રૂા. ૧૫૯.૭૭  કરોડ થયેલ છે. ઘરવેરા આકરણી રજીસ્ટરે નોંધાયેલ કુલ રૂા. ૩.૧૦ લાખ કરદાતાઓ પૈકી કુલ ૧.૯૨ કરદાતાઓ દ્વારા વેરો ભરપાઈ કરવામાં આવેલ છે. આજે બુધવારના રોજ ઘરવેરા વિભાગની રિકવરી ટીમ દ્વારા કુલ ૨૦ મિલકતને સીલ કરવામાં આવેલ છે, જેમાં શહેરના ઘોઘા સર્કલ પાસે આવેલ ક્રેવ ઇટેબલ (બચુભાઇ દૂધવાળા)નો પણ સમાવેશ થાય જેનો રૂા. ૧૯.૯૭ લાખનો મિલકત વેરો ભરપાઈ કરવાનો બાકી હોવાથી સીલ કરવામાં આવેલ છે.

ચાલુ નાણાંકીય વર્ષને પૂર્ણ થવામાં હવે દોઢ માસ જેટલો જ સમય બાકી છે તેથી આગામી દિવસોમાં વેરો ભરપાઈ કરવાનો બાકી હોય તેવી વધુમાં વધુ મિલકતોને સીલ કરવામાં આવનાર છે. મિલકત વેરાના બાકીદારોને તેઓની મિલકત વેરો સત્વરે ભરપાઈ કરવા મહાપાલિકાના ઘરવેરા વિભાગના અધિકારીએ જણાવેલ છે. મહાપાલિકાએ મિલકત વેરો વસુલવા કડક કાર્યવાહી કરતા બાકીદારોમાં ફફડાટ ફેલાયો છે.