Gujarat

તળાજા નગરપાલિકાનું બિલ્ડીંગ ગામથી 3 કિમી દૂર બનાવવા હિલચાલ

By GS TEAM
1 May 20262 mins read
તળાજા નગરપાલિકાનું બિલ્ડીંગ ગામથી 3 કિમી દૂર બનાવવા હિલચાલ

પ્રા.સુવિધાના પ્રશ્ને નગરજનોને પાલિકાના ધક્કા મોંઘા પડશે

સાત વર્ષ પહેલા જૂની જગ્યાએ જ નવું બાંધકામ કરવાની કાર્યવાહી અભેરાઇએ ચડાવી દેવાઇ

તળાજા -  તળાજા શહેરમાં પ્રાથમિક સુવિધાના પ્રશ્ને કચેરી શહેર મધ્યે હોય કોઇપણ નાગરિક સરળતાથી ફરિયાદ કરવા કે રજૂઆત કરવા જઇ શકતા હતાં. પરંતુ આગામી સમયમાં પાલિકાની કચેરી ત્રણ કિ.મી. દૂર લઇ જવાની કવાયત હાથ ધરતા નાગરિકોને રજૂઆત માટે ધક્કા ખાવા તૈયાર રહેવું પડશે.

સફાઇ, ગટર, રોડ, પાણી અને સ્ટ્રીટલાઇટ જેવી પ્રાથમિક સુવિધાના પ્રશ્ને લોકોની રજૂઆત સરળતાથી થઇ શકતી હતી પરંતુ તંત્ર આગામી સમયમાં પાલિકાની કચેરી ત્રણ કિમી દૂર લઇ જવા માગે છે. આથી નગરજનોને પાલિકાના કામકાજ માટે ત્રણ કિમી દૂર ધક્કો ખાવા માટે તૈયાર રહેવું પડશે. સત્તાવાર સાધનો પાસેથી મળતી વિગતો મુજબ પાલિકાના સત્તાધિશો તળાજા નગરપાલિકાની કચેરી હાઇવે પર નીલકંઠ ગુરૃકુલમ બન્યું છે તેની નજીક પાલિકાની જગ્યામાં બનાવવા માટે પ્લાન તૈયાર કરી રહ્યા છે. આ સ્તળ તળાજા નગર મધ્યેથી આશરે ત્રણેક કિમી દૂર છે. ૨૦ વર્ષથી સત્તાસ્થાને રહેલ ભાજપના પૂર્વ શાસકોએ સાત વર્ષ પહેલા કાર્યરત પાલિકાનું બિલ્ડીંગ જમીનદોસ્ત કરી ને નવી બિલ્ડીંગ બનાવવા માટે કાર્યવાહી કરી હતી. ઝડપી વિકાસની ગુલબાંગ વચ્ચે વાસ્તવિક સ્થિતિ એ રહી કે ગ્રાન્ટ આવી ગઇ, ડિઝાઇન આવી ગઇ, કોન્ટ્રાક્ટ અપાઇ ગયો છતાંય કોઇને કોઇ કારણોસર કામ ટલ્લે ચડતું રહ્યું. નગરવાસીઓ જે વેરો ભરે છે તે રકમમાંથી તે સમયના સત્તાધિશોએ રૃા.૧૩ લાખ જેટલી માતબર રકમ ભરીને જમીન ખરીદી કરી તે જમીન પાલિકાના નામે પણ થઇ ગઇ. હવે અહી વર્તમાન શાસકોને આ ખરીદાયેલ જમીન પર બિલ્ડીંગ બનાવવી નથી. ગામથી દૂર લઇ જવી છે. સૂત્રોએ જણાવ્યું હતું કે જૂના ગામતળની જગ્યા અને બાજુમાં કોર્ટ, મામલતદાર વાળી જગ્યા બધુ જ પડયું છે. રાજ્ય સરકાર ભાજપની છે. જો ધારે તો આ લગતી વિશાળ જગ્યા પાલિકા કચેરી માટે મળી રહે. ગામની અંદર પાલિકા કચેરી બને તો અહી ખાસ કરીને મહિલા વર્ગ આસાનીથી આવી શખે. પાલિકામાં જાય અને એક જ ધક્કે કામ થઇ જાય તે સિનારિયો ભૂતકાળ બની ગયો છે. સામાન્ય દાખલા માટે બે ત્રણ ધક્કા ખાવા પડે તો તે તળાજાની જનતા માટે મુશ્કેલ.