Get The App

ઊડતાં સૌરાષ્ટ્રઃ એક વર્ષમાં રૂ. 45 કરોડથી વધુના દારૂ-ગાંજો સહિત કેફી દ્રવ્યો ઝડપાયાં

Updated: Jun 3rd, 2026

GS TEAM

Google News
Google News
ઊડતાં સૌરાષ્ટ્રઃ એક વર્ષમાં રૂ. 45 કરોડથી વધુના દારૂ-ગાંજો સહિત કેફી દ્રવ્યો ઝડપાયાં 1 - image

ખાખી અને ખાદીની રહેમનજર હેઠળ નશાનો કારોબાર : જૂનાગઢની લઠ્ઠાકાંડ જેવી ઘટનાએ ફરી 'દારૂબંધી'ની ધજ્જીયા ઊડાવી : કરોડોનો પકડાતો દારૂ તો હિમશિલાની ટોચ, ખરેખર અબજોનો વેચાય-પીવાય જાય છે

રાજકોટ, : 'ગાંધીના ગુજરાતમાં દારૂબંધી છે..' એ વાત ખરેખર કાયદા-કાનૂનની મજાક ઉડાવવા બરાબર છે. સૌરાષ્ટ્રમાં એક વર્ષમાં રૂ. 45.58 કરોડના કેફી દ્રવ્યો પકડાયા હોવાનું ખુદ રાજ્ય સરકારે તાજેતરમાં જ વિધાનસભામાં કબુલ્યું હતું, એ તો 'હિમશીલાની ટોચ' સમાન હોય શકે, બાકી 99.99 ટકા નશીલા દ્રવ્યો તો વેચાય-પીવાય જાય છે.  જૂનાગઢમાં ગઈકાલે જ કેફી પ્રવાહી પીધાં પછી 2 લોકોના મોત થયા અને ચારને સારવારમાં ખસેડાયા, જેમાં દારૂના ધંધાર્થીએ જ કબુલ્યું કે, 'અમે કોઈ ભેળસેળ કરતા નથી, શંકા હોય તો લેબોરેટરીમાં પરિક્ષણ કરાવી લો..' જે પોલીસ અને સરકારની દારૂબંધી નીતિની પોલ ખોલે છે. ખાખી અને ખાદીની મિલિભગત વગર નશાનો કાળો કારોબાર ચલાવવો અશક્ય છે. જ્યારે બુટલેગરો આટલા આત્મવિશ્વાસથી પ્રતિબંધિત દારૂ વેચવાનો દાવો કરતા હોય, ત્યારે સમજી શકાય કે સિસ્ટમ કઈ હદે સડી ચૂકી છે.

ગુજરાતમાં કહેવાતી દારૂબંધી વચ્ચે પણ નશીલા પદાર્થો અને વિદેશી દારૂનો કાળો કારોબાર કઈ હદે પગપેસારો કરી ચૂક્યો છે, તેનો જીવંત પુરાવો વર્ષ 2025 દરમિયાન સૌરાષ્ટ્રમાં રાજકોટ, મોરબી, અમરેલી, ભાવનગર, પોરબંદર, જામનગર, અને ગીર સોમનાથ, જૂનાગઢ સહિતના જિલ્લાઓમાં પકડાયેલા નશીલા દ્રવ્યો, વિદેશી દારૂ અને હેરાફેરીમાં વપરાયેલા વાહનોની સંખ્યા છે. ખુદ સરકારે રજૂ કરેલા આંકડા મુજબ આ જિલ્લાઓમાંથી એક વર્ષમાં કેફી દ્રવ્યો અને હેરફેર માટે વપરાયેલા વાહનો મળીને કુલ રૂ 93.48 કરોડનો મુદામાલ પકડાયો છે. તેમાં સૌથી ટોચ પર રાજકોટ અને મોરબી જિલ્લો આવે છે. દારૂ અને ડ્રગ્સ સપ્લાય કરવા માટે વ્યવસ્થિત નેટવર્ક ચાલે છે. હેરાફેરી માટે એકલા રાજકોટમાંથી જ 675થી વધુ વાહનો પકડાયા છે, જેની કિંમત અંદાજે 20 કરોડ રૂપિયાથી વધુ થાય છે, જ્યારે મોરબી જિલ્લામાં પણ રૂ. 8.22 કરોડથી વધુની કિંમતના 222 વાહનો ઝડપાયા છે.

નશાના કારોબારની અસલી કિંમત સૌરાષ્ટ્રના ગરીબ અને મધ્યમવર્ગીય પરિવારો ચૂકવી રહ્યા છે. જે ઘરોનો કમાતો દીકરો નશાના રવાડે ચડીને મોતના મુખમાં ધકેલાઈ જાય છે, તે આખા પરિવારની આજીવિકા અને સપનાઓ રોળાઈ જાય છે. રાજકોટ અને મોરબી જેવા ઔદ્યોગિક હબ હવે નશાના એપીસેન્ટર બની રહ્યા છે. જાગૃત લોકો કહે છે કે, 'બધું સરકાર પર નિર્ભર છે. માત્ર વાહનો પકડવાથી કે કાગળ પર ગુના નોંધવાથી આ દૂષણ નાબૂદ નહીં થાય. જ્યાં સુધી હપ્તાખોરીના નેટવર્ક પર સર્જિકલ સ્ટ્રાઈક નહીં થાય, ત્યાં સુધી જૂનાગઢ જેવી મોતના મુખમાં ધકેલતી કરૂણાંતિકાઓ સર્જાતી જ રહેશે.'