સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કેટલીક બેઠક પર ૧૪થી વધુ ઉમેદવાર થાય તેવી શકયતા
એક ઇવીએમમાં નોટા સહિત ૧૬ બટન ઃ ઉમેદવાર વધશે તો તંત્રની કસરત વધશે
ભાવનગર - સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો ધમધમાટ શરૃ થઈ ગયો છે અને ભાવનગર શહેર-જિલ્લામાં ચૂંટણી માટેના ફોર્મ પણ ભરાય ગયા છે. મોટાભાગની ચૂંટણીમાં દરેક મતદાન મથક પર એક ઇવીએમ મુકવામાં આવતુ હોય છે પરંતુ કેટલીકવાર ઉમેદવારની સંખ્યા વધી જતા બે ઇવીએમ મુકવા પડતા હોય છે.
ભાવનગર મહાપાલિકા સહિતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કોઈ એક વોર્ડ અથવા બેઠક પર ૧૪થી વધુ ઉમેદવાર થશે તો બે ઇવીએમ મુકવા પડશે. એક ઇવીએમમાં નોટા સહિત ૧૬ બટન હોય છે તેથી ૧૬ થાય અથવા તેનાથી વધુ ઉમેદવાર થાય તો બે ઇવીએમ મુકવા પડશે તેથી ઉમેદવારની સંખ્યા ઓછી રહેશે તો તંત્રને રાહત થશે, જો ઉમેદવારની સંખ્યા વધશે તો ચૂંટણી તંત્રની કસરત વધશે તેમ જણાય રહ્યુ છે. એક વોર્ડમાં ૧૪ કરતા વધુ ઉમેદવાર થાય તોે તે વોર્ડના તમામ મતદાન મથક પર બે બેલેટ યુનીટ મુકવા પડશે. ૧૪ ઉમેદવાર સુધી માત્ર ૧ ઇવીએમ જ મુકવુ પડશે. ભાવનગર મહાપાલિકા અને નગરપાલિકાની ચૂંટણીમાં ઉમેદવારોની સંખ્યા વધુ હોય છે તેથી આ ચૂંટણીમાં ઉમેદવારોની સંખ્યા વધશે તો બે ઇવીએમ મુકવા પડે તેવી શકયતા છે. એક વોર્ડમાં ભાજપના ૪, કોંગ્રેસના ૪, આમ આદમી પાર્ટીના ૪, અન્ય પાર્ટી તેમજ અપક્ષ વગેરે ઉમેદવારની સંખ્યા ૧૪ કરતા વધી જવાની શકયતા છે તેથી કેટલાક વોર્ડમાં બે ઇવીએમ મુકવા પડશે તેમ જણાય રહ્યુ છે.
આવતીકાલે બુધવારે ઉમેદવારનુ ફાઈનલ લીસ્ટ બનશે. ૧૪ ઉમેદવાર હશે ત્યાં કોઈ ચિંતા ન રહે પરંતુ ૧૪થી વધુ ઉમેદવાર હશે તો બે ઇવીએમ મુકવા પડશે અને ઇવીએમની સંખ્યા વધશે તેમ જણાય રહ્યુ છે. મતદારે પણ બે ઇવીએમમાં ઉમેદવારના નામ શોધવા પડશે તેથી મતદારોની પણ કસરત વધશે ત્યારે ચૂંટણીમાં કંઈ બેઠક પર કેટલા ઉમેદવાર થાય છે ? તેની રાહ જોવી જ રહી.


