Get The App

ભાવનગરમાં 10 થી વધુ રોડ બિસ્માર, મહાપાલિકા નિષ્ક્રીય

Updated: Feb 16th, 2026

GS TEAM

Google News
Google News
ભાવનગરમાં 10 થી વધુ રોડ બિસ્માર, મહાપાલિકા નિષ્ક્રીય 1 - image

- ડ્રેનેજ અને સ્ટ્રોમ લાઈન નાખવા રોડ ખોદી નખાયા

- મહાપાલિકાની ધીમી કામગીરીથી લોકો ત્રાહિમામ, ઝડપી કામગીરી પૂર્ણ કરવા માંગણી 

ભાવનગર : ભાવનગર મહાનગરપાલિકામાં મોટાભાગના કામ સમયસર થતા નથી અને ત્યારબાદ સમય મર્યાદા વધારવામાં આવે છે તેથી લોકો પરેશાન થતા હોય છે, હાલ આવુ જ શહેરમાં જોવા મળી રહ્યુ છે. શહેરમાં કેટલાક રોડ બિસ્માર હાલતમાં છે છતાં રોડની કામગીરી ઝડપી કરવામાં આવતી ન હોવાથી લોકો કકળાટ કરતા નજરે પડી રહ્યા છે. 

ભાવનગર શહેરમાં ૧૦થી વધુ રોડ બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યા છે, જેમાં સંસ્કાર મંડળથી રૂપાણી તરફ જવાનો રોડ, ભાંગલીગેટથી સિંધુનગર, તળાજા જકાતનાકાથી ઘોઘા રોડ, સંસ્કાર મંડળથી સિંધુનગર, ઘોઘા રોડ, કુંભારવાડા, નારી, અધેવાડા, તરસમિયા, અકવાડા વગેરે વિસ્તારના રોડનો સમાવેશ  થાય છે. મહાપાલિકા દ્વારા ડ્રેનેજ લાઈન અને સ્ટ્રોમ લાઈન નાખવા માટે રોડ ખોદી નાખવામાં આવ્યા છે પરંતુ ત્યારબાદ રોડ બનાવવામાં કોઈ કારણસર ખુબ જ વિલંબ થઈ રહ્યો છે, જેના કારણે વાહન ચાલકો ત્રાહિમામ પોકારી ઉઠયા છે.  

શહેરમાં રોડ ખરાબ છે છતાં મહાપાલિકા દ્વારા કામગીરી કરવામાં આવતી નથી અથવા ધીમી કામગીરી કરવામાં આવી રહી છે, જેના પગલે લોકોને હાલાકી ભોગવવી પડે છે ત્યારે ઝડપી કામગીરી કરવા લોકો માંગણી કરી રહ્યા છે. 

શહેરના ઘણા વિસ્તારમાં બ્લોક કાઢી નખાયા 

ભાવનગર શહેરના કાળિયાબીડ, ડીએફઓના બંગલા નજીક સહિતના કેટલાક વિસ્તારમાં જુદી જુદી લાઈનો નાખવા માટે રોડની સાઈડમાં નાખેલા બ્લોક ખોદી નાખવામાં આવ્યા છે. કુંભારવાડામાં આરસીસી રોડ તોડી નાખવામાં આવ્યા છે. કેટલાક વિસ્તારમાં કામગીરી પૂર્ણ થઈ ગયા બાદ પણ ઘણા વિસ્તારમાં બ્લોક ફીટ કરવામાં આવતા નથી ત્યારે આ બાબતે તત્કાલ યોગ્ય પગલા લેવા જોઈએ તેમ લોકમુખે ચર્ચાય રહ્યુ છે.