- સાર્વજનિક દવાખાના દ્વારા વર્ષ ૧૯૭૫થી ચાલતી અનોખી સેવા
- મહિનામાં 3131 સ્ત્રીઓનું નિદાન અને સારવાર કરીને જરૂરી દવાઓ પણ મફતમાં આપવામાં આવી
બાલાસિનોર : આજે જ્યારે તબીબી ક્ષેત્રની સામાન્ય સારવાર પણ ગરીબ દર્દીઓને પોષાય નહીં એટલી મોંઘી થઇ ગઇ છે. ત્યારે બાલાસિનોરના સાર્વજનિક દવાખાના દ્વારા છેલ્લા ૫૧ વર્ષથી ગામડે ગામડે ફરીને ફક્ત બે રૂપિયા ટોકન દરથી ગરીબ દર્દીઓને સારવાર આપતી મોબાઇલ હોસ્પિટલ ચલાવવામાં આવી રહી છે. બાલાસિનોર આસપાસના ૧૫થી વધારે ગામડામાં ફરીને આ મોબાઇલ દવાખાનું છેવાડાના લોકો સુધી આરોગ્ય સેવા ૫હોંચાડી રહ્યું છે.
ગરીબ અને છેવાડાના માનવી સુધી આરોગ્ય સેવા પહોંચે તેવા આશય સાથે બાલાસિનોરના સાર્વજનિક દવાખાના એટલે કે કે.એમ.જી. જનરલ હોસ્પિટલમાં વર્ષ ૧૯૭૫માં ઇચ્છાબેન ઓચ્છવલાલ જેઠાલાલ દેસાઇ(દેડકી) મોબાઇલ વિભાગ શરૂ કરવામાં આવ્યો છે. આ યોજના હેઠળ મોબાઇલ મેડિકલ વાન એમબીબીએસ તબીબ અને નસગ સ્ટાફ સાથે સપ્તાહમાં પાંચ દિવસ કોઇ એક ગ્રામ્ય રૂટ નક્કી કરીને નિકળે છે. ફક્ત બે રૂપિયાની ટોકન ફીથી આ મોબાઇલ હોસ્પિટલમાં દર્દીનું નિદાન કરીને જે-તે રોગને અનુરૂ૫ દવા પણ વિનામુલ્યે આપવામાં આવે છે. બાલાસિનોર નજીક આવેલા ૧૫ ગામડાં સુધી આ મોબાઇલ હોસ્પિટલની સેવા આપવામાં આવી રહી છે. ગત એપ્રિલ-૨૦૨૫થી જાન્યુઆરી-૨૦૨૬ સુધીના ૧૦ મહિનામાં ૩૧૩૧ દર્દીઓએ મોબાઇલ હોસ્પિટલનો લાભ લીધો છે. દર્દીઓને નિદાન કરીને આ સમય દરમિયાન કુલ રૂ.૧.૨૪ લાખની દવાઓ પણ મફતમાં આપવામાં આવી છે.


