VIDEO: અમદાવાદમાં ગૌમાંસની અફવા બાદ હોબાળો, ટોળાની ટ્રકમાં તોડફોડ, તપાસમાં ભેંસનો ‘વેસ્ટ’ નીકળ્યો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Ahmedabad News : અમદાવાદ શહેરના નાના ચિલોડા વિસ્તારમાં બુધવારે(29 એપ્રિલ) મોડી રાત્રે ગૌમાંસની હેરફેર થતી હોવાની આશંકા અને અફવાને પગલે ભારેલા અગ્નિ જેવી સ્થિતિ સર્જાઈ હતી. ઉશ્કેરાયેલા ટોળાએ એક ટ્રકને આંતરી તેમાં તોડફોડ કરી નુકસાન પહોંચાડ્યું હતું. જોકે, પોલીસ તપાસમાં ટ્રકમાં ગૌમાંસ નહીં પણ ભેંસનો વેસ્ટ હોવાનું બહાર આવતા મામલો થાળે પડ્યો હતો. નરોડા પોલીસે હિંસક બનેલા તત્ત્વો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
અફવાએ જોર પકડતા ટોળું એકઠું થયું
નાના ચિલોડા પાસેથી પસાર થઈ રહેલી એક ટ્રકમાં ગૌમાંસ લઈ જવામાં આવી રહ્યું હોવાની અફવા વાયુવેગે ફેલાઈ હતી. જોતજોતામાં મોટું ટોળું એકઠું થઈ ગયું હતું અને ટ્રકને અટકાવી હતી. પોલીસ ઘટનાસ્થળે પહોંચે તે પહેલા જ રોષે ભરાયેલા લોકોએ ટ્રક પર હુમલો કરી કાચ ફોડી નાખ્યા હતા અને વાહનને વ્યાપક નુકસાન પહોંચાડ્યું હતું.
પોલીસ તપાસમાં બીફ હોવાનો દાવો પોકળ ઠર્યો
ઘટનાની જાણ થતા જ નરોડા પોલીસનો કાફલો સ્થળ પર દોડી ગયો હતો અને પરિસ્થિતિ પર કાબૂ મેળવ્યો હતો. સમગ્ર મામલે સ્પષ્ટતા કરતા પોલીસે જણાવ્યું હતું કે, નિષ્ણાતો દ્વારા સેમ્પલની તપાસ કરવામાં આવી છે. તપાસમાં સાબિત થયું છે કે તે ગૌમાંસ(બીફ) નથી, પરંતુ ભેંસના શરીરના નકામા ભાગો(વેસ્ટ) છે.
તોડફોડ કરનારાઓ વિરુદ્ધ FIRની તૈયારી
નરોડા પોલીસ ઇન્સ્પેક્ટરે જણાવ્યું હતું કે, "અફવાને કારણે સર્જાયેલી હિંસા અને તોડફોડ મામલે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે. આમ, બીફ ન હોવાનું સ્પષ્ટ થઈ છે. અમે સીસીટીવી ફૂટેજ અને વીડિયોના આધારે ટ્રક પર હુમલો કરનારા તત્ત્વોની ઓળખ કરી રહ્યા છીએ અને તેમની સામે FIR નોંધવાની પ્રક્રિયા શરૂ કરી છે."
ડ્રાઈવર અને ક્લીનરને સામાન્ય ઇજા
આ હિંસક ઘટનામાં ટ્રકના ડ્રાઈવર અને ક્લીનરને સામાન્ય ઇજાઓ પહોંચી હતી. હાલ સમગ્ર વિસ્તારમાં શાંતિ જળવાઈ રહે તે માટે પોલીસ સતર્ક છે અને અફવા ફેલાવનારાઓ પર પણ નજર રાખવામાં આવી રહી છે. પોલીસે લોકોને અપીલ કરી છે કે કોઈપણ ચોકસાઈ વગરની માહિતી પર વિશ્વાસ ન કરવો અને કાયદો હાથમાં ન લેવો.








