Get The App

21 દિવસ બાદ ગુમ થયેલ મહિલાની સુરક્ષિત શોધી કાઢી પરિવાર સાથે મિલન કરાવાયું

Updated: Mar 18th, 2026

GS TEAM

Google News
Google News
21 દિવસ બાદ ગુમ થયેલ મહિલાની સુરક્ષિત શોધી કાઢી પરિવાર સાથે મિલન કરાવાયું 1 - image

Vadodara Police : વડોદરા શહેરમાં છેલ્લા 21 દિવસથી ગુમ થયેલ મહિલાને સુરક્ષિત રીતે શોધી કાઢી પરિવાર સાથે મિલન કરાવતાં ફતેહગંજ પોલીસ સ્ટેશન અને વડોદરા શહેર મિસિંગ સેલે પ્રશંસનીય કામગીરી કરી છે.

 વડોદરા શહેરના પોલીસ કમિશ્નરના માર્ગદર્શન હેઠળ મહિલાઓ અને સગીરાઓ સંબંધિત ગુનાઓ અટકાવવા તેમજ મિસિંગ કેસો ઝડપથી ઉકેલવા ખાસ સૂચનાઓ આપવામાં આવી હતી. આ સૂચનાઓને ધ્યાનમાં રાખીને ફતેહગંજ પોલીસ ઇન્સ્પેક્ટર એ.એમ.ગઢવી દ્વારા અલગ-અલગ ટીમો બનાવી તપાસ હાથ ધરવામાં આવી હતી. તા.23/02/2026ના રોજ ફતેહગંજ પોલીસ સ્ટેશનમાં અર્પીતા નામની મહિલાની મિસિંગ ફરિયાદ નોંધાઈ હતી. મહિલા તા.19/02/2026ના રોજ નોકરીએ જવાનું કહી ઘરેથી નીકળી ગઈ હતી, પરંતુ પરત ન ફરતા પતિએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. જેથી પોલીસ દ્વારા કેસની ગંભીરતાથી તપાસ હાથ ધરવામાં આવી હતી. સર્વેલન્સ સ્ટાફ દ્વારા અંદાજે 240 જેટલા CCTV કેમેરાની તપાસ કરવામાં આવી હતી. સાથે જ આણંદ, ભાદરવા સહિત વિવિધ સ્થળોએ તપાસ તેમજ ટેકનિકલ અને હ્યુમન સોર્સ દ્વારા માહિતી એકત્રિત કરવામાં આવી હતી.

તપાસ દરમિયાન આખરે મહિલા પાદરા નજીકના લુણા ગામ આસપાસ હોવાની માહિતી મળતા ફતેહગંજ પોલીસ અને મિસિંગ સેલની ટીમે સંયુક્ત ઓપરેશન હાથ ધરી મહિલાને સુરક્ષિત રીતે શોધી કાઢી હતી. મહિલાને વડોદરા પરત લાવ્યા બાદ સલામત રીતે તેના પરિવારજનોને સોંપતા પરિવારજનોમાં ખુશીનો માહોલ છવાયો હતો. પોલીસની આ ઝડપી અને અસરકારક કામગીરીની સર્વત્ર પ્રશંસા થઈ રહી છે.