નિયમોનું ઉલ્લંઘન ભારે પડ્યું, રિટર્ન ફાઇલ ન કરનાર અનેક મલ્ટી-સ્ટેટ કોઓપરેટિવ સોસાયટીઓને રજિસ્ટ્રારની નોટિસ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Annual Returns Filing: કેન્દ્ર સરકારના સહકારિતા મંત્રાલયે સેન્ટ્રલ રજિસ્ટ્રાર ઓફ કોઓપરેટિવ સોસાયટીઝના માધ્યમથી નાણાકીય વર્ષ 2024-25 માટે નિર્ધારિત સમયમર્યાદામાં વાર્ષિક રિટર્ન ફાઇલ ન કરવા બદલ સેંકડો મલ્ટી-સ્ટેટ કોઓપરેટિવ સોસાયટીઝને નોટિસો પાઠવી છે. તેમને તત્કાળ રિટર્ન ફાઈલ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.
મલ્ટી-સ્ટેટ કો-ઓપરેટિવ સોસાયટીઝ એક્ટ-2002ની જોગવાઈઓ હેઠળ તમામ નોંધાયેલી મલ્ટી-સ્ટેટ કોઓપરેટિવ સોસાયટીઓએ નાણાકીય વર્ષ પૂરું થયાના છ મહિનાની અંદર સેન્ટ્રલ રજિસ્ટ્રાર કોઓપરેટિવ સોસાયટીના ઓનલાઇન પોર્ટલ પર તેમના વાર્ષિક રિટર્ન સબમિટ કરવાના રહે છે, જે મુજબ 30 સપ્ટેમ્બર પાલન માટેની અંતિમ સમયમર્યાદા છે. જો કે મોટી સંખ્યામાં સોસાયટીઓ, ખાસ કરીને ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટીઓ, આ કાયદાકીય જોગવાઈનું પાલન કરવામાં નિષ્ફળ રહી છે.
સેન્ટ્રલ રજિસ્ટ્રાર દ્વારા જાહેર કરાયેલી જાહેર નોટિસોમાં અનેક રાજ્યોમાં રિટર્ન ફાઈલ કરવાની જોગવાઈઓનું મોટા પ્રમાણમાં ઉલ્લંઘન જોવા મળ્યું છે. આ કાર્યવાહી સહકાર ક્ષેત્રમાં શાસનનાં ધોરણોને મજબૂત કરવા, પારદર્શિતા લાવવા અને જવાબદારી નક્કી કરવા માટે સહકાર મંત્રાલયના વ્યાપક પ્રયાસોનો એક ભાગ છે. સેન્ટ્રલ રજિસ્ટ્રારે ચેતવણી આપી છે કે જે સોસાયટીઓ પાલન કરવામાં નિષ્ફળ રહેશે તેમને એક્ટની કલમ 104(1) હેઠળ દંડ થઈ શકે છે. ઉપરાંત, કલમ 43(2)(e) હેઠળ જવાબદાર ડિરેક્ટરો અને હોદ્દેદારોને બોર્ડની ચૂંટણી લડવા માટે ગેરલાયક પણ ઠેરવી શકાય છે.
નવી જોગવાઈને કારણે સહકારી સંસ્થાઓ કાયદાકીય નિયમોની અવગણના કરી શકશે નહીં. આ પગલાથી નિષ્ક્રિય સોસાયટીઓ નિયમોનું પાલન કરતી થશે અને સહકારી ક્ષેત્રમાં વધુ વ્યાવસાયીકરણ તેમજ પારદર્શિતા આવશે. સહકારિતા મંત્રાલયના માધ્યમથી આપવામાં આવેલી નોટિસ પછી દંડથી બચવા માટે અને ડિરેક્ટર્સને ડિસ્ક્વોલિફાય થતાં અટકાવવા માટે સેન્ટ્રલ રજિસ્ટ્રારમાં રિટર્ન ફાઈલ કરીને બધું જ સમુંસુતરું (વ્યવસ્થિત) કરી લેવાનાં પગલાં લેવા અનિવાર્ય બન્યા છે. મલ્ટી-સ્ટેટ કોઓપરેટિવ સોસાયટીઓએ જૂના અને નવા મળીને તમામ વાર્ષિક રિટર્ન 30મી સપ્ટેમ્બર 2026 સુધીમાં ભરી દેવાના રહેશે. તમને ફિઝિકલ નોટિસની કોપી મળે ત્યાં સુધી રાહ ન જોવાની સૂચના જાણકારો આપી રહ્યા છે. રિટર્ન ફાઈલ કરવાની તૈયારી થઈ જાય એટલે તાત્કાલિક CRCSના પોર્ટલ પર તેને અપલોડ કરી દેવા જોઈએ.
તદુપરાંત, મંજૂર કરેલી નવી પેનલમાં સ્થાન ધરાવતા CAની મદદથી મલ્ટી-સ્ટેટ કોઓપરેટિવ સોસાયટીઓએ સ્ટેચ્યુટરી રિટર્ન ફાઈલ કરી દેવાના રહેશે. નવી રચાયેલી પેનલમાં 9248 CAની પેઢીઓને સ્થાન આપવામાં આવેલું છે. કલમ 104 (1) હેઠળ જો કોઈ દંડ કરવામાં આવ્યો હોય તો તે દંડની રકમ પણ જમા કરાવી દેવાની રહેશે. તમે રિટર્ન ફાઈલ કરવાની તૈયારી કરી રહ્યા છો તેવો અહેસાસ નોટિસ આપનાર સંસ્થાને કરાવવો જરૂરી છે. ખરાબ છબી ધરાવતી વ્યક્તિને બોર્ડમાં સ્થાન આપી શકાશે નહીં.
કલમ 43(2)(e) હેઠળ જો બોર્ડના એક પણ સભ્યને ડિસ્ક્વોલિફાય કરી દેવામાં આવશે તો તમારી સંસ્થાને પણ નિષ્ક્રિય કરી દેવાની નોબત આવી શકે છે. ઓડિટ રિપોર્ટમાં કોઈ ક્ષતિ હોય તો તે દૂર કરી દેવાની રહેશે. ઓડિટ રિપોર્ટમાં સોસાયટીની વિરુદ્ધ જાય તેવા મંતવ્યો વ્યક્ત થયેલા ન હોવા જોઈએ, તેમજ નાણાકીય ગેરરીતિ (મિસમેનેજમેન્ટ) કરવામાં આવી હોવાનું જણાવેલું ન હોવું જોઈએ.









