થાન,ચોટીલા, સુરેન્દ્રનગરથી ફાયર ટીમો દોડી આવી
સિરામિક કારખાનામાં સંગ્રહિત સેનિટરી વેરની આઇટમો, પેકિંગ મટીરીયલ, રો મટીરીયલ બળીને ખાખ
સુરેન્દ્રનગર - થાન-નવાગામ રોડ પર આવેલા અંકિતા સિરામિકના ગોડાઉનમાં ગુરૃવારે મોડી રાત્રે અચાનક ભીષણ આગ લાગી હતી. ફાયર ફાઈટરની ત્રણ ટીમોએ ઘટનાસ્થળે પહોંચી પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લીધી હતી.
થાન-નવાગામ રોડ પર ઔદ્યોગિક વિસ્તારમાં આવેલા અંકિતા સિરામિક કારખાનાના ગોડાઉનમાં ગુરૃવારે રાત્રિના સમયે અચાનક આગ લાગતા સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. મોડી રાત્રે લાગેલી આ આગે જોતજોતામાં વિકરાળ સ્વરૃપ ધારણ કરી લીધું હતું. સદનસીબે ગોડાઉનમાં કોઈ કામદાર હાજર ન હોવાથી મોટી જાનહાનિ ટળી હતી. જોકે, આગ એટલી પ્રચંડ હતી કે ગોડાઉનમાં સંગ્રહિત સેનિટરી વેરની આઇટમો, પેકિંગ મટીરીયલ અને કાચો માલ બળીને ખાખ થઈ ગયો હતો.
ઘટનાની જાણ થતા જ આસપાસના લોકો અને કારખાનાના સંચાલકો સ્થળ પર દોડી આવ્યા હતા. આગની ગંભીરતા જોતા તાત્કાલિક મેજર કોલ જાહેર કરવામાં આવ્યો હતો. જેમાં થાન નગરપાલિકા ઉપરાંત ચોટીલા અને સુરેન્દ્રનગરથી પણ ફાયર ફાઈટરની ટીમોને બોલાવવામાં આવી હતી. ફાયર બ્રિગેડના જવાનોએ સતત પાણીનો મારો ચલાવી કલાકોની ભારે જહેમત બાદ આગ પર પૂર્ણપણે કાબુ મેળવ્યો હતો. પ્રાથમિક દ્રષ્ટિએ આગ લાગવાનું કારણ જાણી શકાયું નથી, પરંતુ શોર્ટ સકટના કારણે આગ લાગી હોવાની શક્યતા સેવાઈ રહી છે.


