Gujarat

ત્રંબામાં વાડીમાંથી ગાંજાનું વાવેતર ઝડપાયું, ભાગીયાની ધરપકડ

By GS TEAM
12 Jun 20262 mins read
ત્રંબામાં વાડીમાંથી ગાંજાનું વાવેતર ઝડપાયું, ભાગીયાની ધરપકડ

26 કિલોગ્રામ વજનના ગાંજાના 37 છોડ કબજે

શાપરમાં ગેસ એજન્સી ધરાવતા વાડી માલિકને પુછપરછ માટે પોલીસે તેડું મોકલ્યું

રાજકોટ: રાજકોટ નજીકના ત્રંબા ગામમાં શાંતીધામ સ્મશાનથી આગળ કાચા રસ્તે આવેલી વાડીમાંથી આજી ડેમ પોલીસે ગાંજાનું વાવેતર પકડી પાડી વાડી વાવતા પિયુષ શંભુભાઇ રૈયાણી (ઉ.વ.૩૫, રહે. ત્રંબા)ને ઝડપી લીધો હતો. વાડીમાંથી રૂા.૧૩ લાખની કિંમતના ૨૬ કિલો વજનના ગાંજાના ૩૭ છોડ કબજે કરાયા હતા. 

પીઆઇ એચ.એન.પટેલે બાતમીના આધારે દરોડો પાડી તપાસ કરતા આંબા, ચીકુ અને લીંબુડીનાં વૃક્ષોના થડની આડમાં ગાંજાના છોડ મળી આવ્યા હતા. જેથી પિયુષની ધરપકડ કરી તેનો મોબાઇલ ફોન પણ કબજે કર્યો હતો. જોકે તેણે કેટલા સમયથી ગાંજાના છોડ વાવ્યા છે તે બાબતે મોઢું સીવી લીધું હતું. 

આમ છતાં ગાંજાના છોડ છ માસ પહેલાના હોવાના તારણ પર પોલીસ પહોંચી છે. ગાંજાના છોડ ૫૨ સેમીથી લઇ ૨૨૭ સેમીના મળ્યા હતા. અમુક છોડ આંબા, ચીકુ અને લીંબુડીના વૃક્ષોની સાથે જ અને અમુક છુટા વાવવામાં આવ્યા હતા. પોલીસે જણાવ્યું કે, વાડી માલિક શાપરમાં ગેસ એજન્સી ધરાવે છે. જેનો મોબાઇલ ફોન હાલ સ્વીચ ઓફ મળી રહ્યો છે. તેની પુછપરછ બાદ વધુ ખુલાસા થશે. 

તે સાથે જ પોલીસે વાડી માલિક આ રીતે ભાગીયાના ભરોસે વાડી ના છોડે અને અવારનવાર વાડીમાં તપાસ કરતા રહે તેવો અનુરોધ કર્યો છે. ઉલ્લેખનીય છે કે, હાલમાં શ્રમિક વર્ગમાં ગાંજો પીવાનું ચલણ વધી રહ્યું છે. જેને કારણે ગાંજાનો વેપલો કરનારાઓની સંખ્યા પણ વધી રહી છે. આ જ કારણ છે કે છાશવારે ગાંજાનો મોટો જથ્થો પકડાય છે.