VIDEO | ICSE રિઝલ્ટમાં ટેકનિકલ ખામી: અમદાવાદની સેવન્થ ડે સ્કૂલના 1200 વિદ્યાર્થીઓના પરિણામમાં વિલંબ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

ICSE & ISC Result Delay: અમદાવાદની સેવન્થ ડે સ્કૂલ સહિતની કેટલીક સ્થાનિક શાળાઓના વિદ્યાર્થીઓના ICSE (ઈન્ડિયન સર્ટિફિકેટ ઑફ સેકન્ડરી એજ્યુકેશન) અને ISC (ઈન્ડિયન સ્કૂલ સર્ટિફિકેટ) બોર્ડના પરિણામોમાં ટેકનિકલ સમસ્યાઓના કારણે વિલંબ સર્જાતા વાલીઓ અને વિદ્યાર્થીઓમાં ભારે ચિંતા જોવા મળી રહી છે. શહેરની સેવન્થ ડે સ્કૂલના આશરે 1200 જેટલાં વિદ્યાર્થીઓના પરિણામ પણ અટકી પડ્યું છે. આ મામલે સેવન્થ ડે સ્કૂલનું કહેવું છે કે, આ ટેકનિકલ ખામી માત્ર એક શાળા પૂરતી સીમિત નથી અન્ય શાળાઓ અને અન્ય રાજ્યમાં પણ જોવા મળી છે.
સ્કૂલના પ્રિન્સિપાલે શું કહ્યું?
આ અંગે સેવન્થ ડે સ્કૂલના પ્રિન્સિપાલે જણાવ્યું હતું કે, 'અમારી શાળાના ICSE અને ISC બોર્ડના આશરે 1200 જેટલાં વિદ્યાર્થીઓના પરિણામ હજુ સુધી આવ્યા નથી. આ વિલંબ પાછળ થોડી ટેકનિકલ સમસ્યાઓ જવાબદાર છે. મેં પહેલેથી જ ICSE કાઉન્સિલનો સંપર્ક કર્યો છે અને તેમણે અમને ખાતરી આપી છે કે પરિણામ આજે ચોક્કસથી આવી જશે.'
પરિણામમાં વિલંબ બાબતે પ્રિન્સિપાલે કહ્યું કે, 'ટેકનિકલ ખામીની સમસ્યા માત્ર આપણી એક શાળા પૂરતી સીમિત નથી. મેં અન્ય શાળાઓમાં પણ તપાસ કરતાં જાણવા મળ્યું છે કે, મહારાષ્ટ્ર અને આંધ્રપ્રદેશમાં પણ હજુ સુધી પરિણામ જાહેર થયા નથી. આ ટેકનિકલ ખામીઓના કારણે થયેલો એક સામાન્ય વિલંબ છે, પરંતુ આજે આ સમસ્યાનો ઉકેલ આવી ગયો છે'.
વધુમાં તેમણે કહ્યું કે, 'પરિણામમાં વિલંબ થવાના કારણે વાલીઓ અને વિદ્યાર્થીઓ ખૂબ જ તણાવમાં છે અને ગભરાઈ રહ્યા છે. આ પરિસ્થિતિ માટે અમને પણ ખૂબ જ દુઃખ છે અને અમે દિલગીરી અનુભવીએ છીએ. હું તમામ વાલીઓને નમ્ર વિનંતી કરું છું કે શાંતિ રાખી થોડો સહકાર આપો. આજે પરિણામ ચોક્કસથી આવી જશે, તેથી અત્યારે અમને તમારા સાથ અને સહકારની ખૂબ જ જરૂર છે.'








