Surat Fire News: સુરતના લિંબાયત વિસ્તારમાં મીઠી ખાડી પાસે આવેલા એક રહેણાંક મકાનમાં આજે(31 માર્ચ) અચાનક આગ ફાટી નીકળતા પાંચ લોકોના મોત નીપજ્યા હોવાના દુઃખદ સમાચાર સામે આવ્યા છે. આગની ઘટનામાં એક બાળક અને ચાર મહિલાઓના મોત થયા છે. જણાવી દઈએ કે, આ ઘટનામાં બે લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. જ્યારે અન્ય ત્રણ લોકોના સારવાર માટે સ્મીમેર હોસ્પિટલ ખસેડાયા હતા, જ્યાં ફરજ પર તબીબોએ મૃત જાહેર કર્યા છે. આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. અચાનક લાગેલી આ ભયાનક આગે આસપાસના રહીશોમાં ભારે ફફડાટ અને ભયનું વાતાવરણ ઊભું કર્યું હતું.
આગ લાગવાનું પ્રાથમિક કારણ આવ્યું સામે
પ્રાથમિક તપાસ મુજબ, ઘરમાં સાડીઓનું કામ ચાલતું હતું. જેથી ઘરમાં સાડીઓ અને ફોર્મનો મોટો જથ્થો હતો. આ આગ લાગવાનું મુખ્ય કારણ ઘરમાં ઇલેક્ટ્રીક શોર્ટ-સર્કિટ હોવાનું જણાય છે. ઘરમાં સાડીઓના પેકિંગ માટે મોટી સંખ્યામાં ફોર્મ શીટ્સ અને કાપડનો જથ્થો રાખવામાં આવ્યો હતો, જે અત્યંત જ્વલનશીલ પદાર્થો છે. જ્યારે ઘરના ઇલેક્ટ્રીક સ્વીચ બોર્ડમાંથી તણખાં ઝર્યા, જે જ્વલનશીલ ફોર્મ પર પડ્યા હતા. જેને લઈને ધૂમાડો ફેલાયો હતો. જોકે, આ ઘટનામાં મોટું નુકસાન આગની જ્વાળાઓ કરતાં ફોર્મ બળવાથી ઉત્પન્ન થયેલા ઝેરી કેમિકલ યુક્ત ધુમાડાને કારણે થયું હતું, જેનાથી ગૂંગળામણ થતા 5 લોકોના કરુણ મોત નીપજ્યા હતા.
દુર્ઘટનાના મૃતકોના નામ
- શહેનાઝ બેગમ અબ્દુલ કલામ અંસારી (ઉં.વ. 65)
- હુસા બેગમ અબ્દુલ કલામ અંસારી (ઉં.વ.18)
- શુભાન રમઝાન અલી અંસારી (ઉં.વ. 4)
- શબીનાં રમઝાન અલી અંસારી (ઉં.વ. 28)
- પરવીન અબ્દુલ કલામ અંસારી (ઉં.વ. 19)

ઘટનાની જાણ થતાં જ સ્થાનિક લોકો દ્વારા તાત્કાલિક ફાયર વિભાગ અને પોલીસને જાણ કરવામાં આવી હતી. ફાયર વિભાગની ગાડીઓ અને એમ્બ્યુલન્સની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને યુદ્ધના ધોરણે બચાવ કામગીરી શરૂ કરી હતી. ફાયર ફાઈટરોએ આગ-ધૂમાડા પર કાબુ મેળવવા માટે ભારે જહેમત ઉઠાવી હતી.
તંત્ર દ્વારા હાલમાં આગને કાબૂમાં લેવાની અને ઘટનાસ્થળ પર સર્ચ ઓપરેશન ચલાવવાની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. આ ગંભીર દુર્ઘટનામાં જીવ ગુમાવનાર મૃતકોના પરિવારજનોમાં ભારે આઘાત અને આક્રંદ જોવા મળી રહ્યો છે. તંત્ર દ્વારા ઘટનાની તપાસના આદેશ આપવામાં આવ્યા છે, જેથી આગ લાગવાનું ચોક્કસ કારણ જાણી શકાય.



