જૂનાગઢ જિલ્લામાં પેટ્રોલ-ડીઝલની અછત હોવાની રાવ : ગ્રામ્ય વિસ્તારના મોટાભાગના પેટ્રોલ પંપ પર છેલ્લા 2 દિવસથી વાહનચાલકો અને ખેડૂતોની લાંબી લાઈનો
જૂનાગઢ, : મોંઘવારીના માર વચ્ચે જૂનાગઢ જિલ્લાના નાગરિકો અને જગતના તાત ગણાતા ખેડૂતો માટે વધુ એક મોટો આંચકો સામે આવ્યો છે. ઓઈલ કંપનીઓ દ્વારા તાજેતરમાં જ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો ઝીંકી દેવામાં આવ્યો હોવા છતાં હજુ સુધી લોકોને પૂરતા પ્રમાણમાં ઈંધણ મળી રહ્યું નથી. જૂનાગઢ શહેર સહિત સમગ્ર જિલ્લાના અને ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારના મોટાભાગના પેટ્રોલ પંપ પર છેલ્લા બે દિવસથી વાહનચાલકો અને ખેડૂતોની લાંબી લાઈનો જોવા મળી રહી છે.
ગ્રામ્ય વિસ્તારના કેટલાક પેટ્રોલ પંપ સંચાલકો દ્વારા ખેડૂતોની લાચારીનો ગેરફાયદો ઉઠાવવામાં આવી રહ્યો હોવાની રાવ ઉઠી છે. ખેતીકામ માટે ડીઝલ લેવા જતા ખેડૂતોને જોઈએ તેટલો જથ્થો આપવામાં આવતો નથી. એટલું જ નહીં, જો ખેડૂતને પૂરતું ડીઝલ જોઈતું હોય તો તેની સાથે ફરજિયાતપણે એન્જિન ઓઈલ ખરીદવા માટે દબાણ કરવામાં આવી રહ્યું છે. તંત્ર દ્વારા આવો કોઈ જ નિયમ બનાવવામાં આવ્યો ન હોવા છતાં પંપ સંચાલકો પોતાની મનમાની ચલાવીને ખેડૂતોને ધરારીથી ઓઈલ પધરાવી રહ્યા છે જેને કારણે ખેડૂતોમાં ભારોભાર રોષ અને નારાજગી વ્યાપી ગઈ છે.
હાલ અનેક પેટ્રોલ પંપો પર નો સ્ટોકના બોર્ડ મારી દેવાયા છે અથવા તો લિમિટેડ જથ્થો જ આપવામાં આવી રહ્યો છે. ખેડૂતોમાં એવી પ્રબળ આશંકા સેવાઈ રહી છે કે આગામી દિવસોમાં હજુ પેટ્રોલ-ડીઝલના ભાવ વધવાની સંભાવના હોવાથી વધુ નફો કમાવાની લાલચે પેટ્રોલ પંપના સંચાલકો દ્વારા ડીઝલનો સંગ્રહ કરવામાં આવી રહ્યો છે. કૃત્રિમ અછત ઉભી કરીને ખેડૂતોને હેરાન કરવામાં આવી રહ્યા હોવાની રાવ છે. ખેડૂતોની માંગ છે કે એક તરફ મોંઘા ભાવનું ડીઝલ લેવા છતાં અમારે લાઈનોમાં ઊભા રહેવું પડે છે અને ઉપરથી બળજબરીપૂર્વક ઓઈલ ખરીદવાની ફરજ પાડવામાં આવે છે આ ખુલ્લી લૂંટ બંધ થવી જોઈએ.
પુરવઠા વિભાગ, વહીવટી તંત્રનાં મૌન સામે આંદોલનની ચીમકી
ભાવ વધારા પછી પણ જો જનતાને હાલાકી ભોગવવી પડતી હોય અને ખેડૂતોને મનસ્વી રીતે લૂંટવામાં આવતા હોય તો પુરવઠા વિભાગ અને જિલ્લા વહીવટી તંત્ર મૌન કેમ છે એવા સવાલો ઉઠી રહ્યા છે. જૂનાગઢના ખેડૂતો દ્વારા માંગ કરવામાં આવી છે કે, પેટ્રોલ પંપો પર ઈંધણના સ્ટોકની તાત્કાલિક તપાસ કરવામાં આવે, ફરજિયાત ઓઈલ પધરાવતા કાળાબજારીયા પંપ સંચાલકોના લાયસન્સ રદ કરવામાં આવે, ખેડૂતોને ખેતીકામ માટે પૂરતા પ્રમાણમાં અને કોઈપણ વધારાની શરત વિના ડીઝલ મળી રહે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવે. જો આ મનમાની બંધ નહીં થાય અને તંત્ર દ્વારા કોઈ નક્કર પગલાં લેવામાં નહીં આવે તો ખેડૂતો દ્વારા ઉગ્ર આંદોલન કરવાની ફરજ પડશે તેવી ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે.


