Get The App

ટ્રકમાંથી રૂ. 10.17 લાખના વિદેશી દારૂ સાથે શખ્સ ઝડપાયો, એક ફરાર

Updated: Mar 10th, 2026

GS TEAM

Google News
Google News
ટ્રકમાંથી રૂ. 10.17 લાખના વિદેશી દારૂ સાથે શખ્સ ઝડપાયો, એક ફરાર 1 - image

- બોચાસણ ટોલનાકા પાસે દારૂની હેરાફેરી

- પોલીસે દારૂનો જથ્થો, ટ્રક, મોબાઈલ સહિતનો રૂપિયા 15.23 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો

આણંદ : આણંદ જિલ્લાની એસ.ઓ.જી. શાખાએ બાતમીના આધારે બોરસદ રૂરલ પોલીસ સ્ટેશનની હદમાં આવેલા બોચાસણ હાઇવે પરથી એક મોટા પાયે વિદેશી દારૂની હેરાફેરીનું ષડયંત્ર નિષ્ફળ બનાવ્યું છે. પોલીસે ટાટા ટ્રકમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની કુલ ૧૦૬ પેટીઓ ઝડપી પાડી છે, જેની કિંમત અંદાજે ૧૦ લાખ રૂપિયાથી વધુ થાય છે. આ મામલે પોલીસે એક આરોપીની ધરપકડ કરી છે, જ્યારે અન્ય એક શખ્સ નાસી છૂટવામાં સફળ રહ્યો છે.

આણંદ એસ.ઓ.જી. શાખાના પોલીસ કર્મચારીઓને સંયુક્ત બાતમી મળી હતી કે, મધ્યપ્રદેશથી એક ટાટા ટ્રક વિદેશી દારૂ ભરીને વાસદ તરફથી બગોદરા હાઇવે તરફ જઈ રહી છે. આ બાતમીના આધારે પોલીસે બોચાસણ ટોલનાકા પાસે જલારામ ખીચડી હોટલ સામે તપાસ હાથ ધરી હતી. ત્યાં પાર્ક કરેલી શંકાસ્પદ ટ્રકની તપાસ કરતા, કેબિનમાંથી ડ્રાઈવર ગોપાલભાઇ બેચરભાઇ કોલા (રબારી) (રહે. ડોળીયા, જી. સુરેન્દ્રનગર) મળી આવ્યો હતો. ટ્રકની પાછળના ભાગે પીળી તાડપતરી નીચેથી વિદેશી દારૂની કુલ ૧૦૬ પેટીઓ (૫૦૮૮ નંગ ક્વાર્ટર) મળી આવી હતી, જેની કુલ કિંમત રૂ. ૧૦,૧૭,૬૦૦ થાય છે. પકડાયેલા ડ્રાઈવરની પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે, સુરેન્દ્રનગરના ચોરવીરા ગામનો દલસુખ ઉર્ફે બગલી મનજીભાઇ માથાસુરીયા પોતાની ગાડી દ્વારા ટ્રકનું પાયલોટિંગ કરી રહ્યો હતો. જોકે, પોલીસની કાર્યવાહી જોઈ તે પોતાની ગાડી લઈને સ્થળ પરથી નાસી છૂટયો હતો. પોલીસે દારૂનો જથ્થો, ટ્રક (કિ.રૂ. ૫,૦૦,૦૦૦) અને મોબાઈલ ફોન મળી કુલ રૂ. ૧૫,૨૩,૩૦૦/-નો મુદ્દામાલ કબજે કર્યો છે. બોરસદ રૂરલ પોલીસે બંને આરોપીઓ તેમજ દારૂનો જથ્થો મોકલનાર અને મંગાવનાર શખ્સો વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.