Get The App

સાબરકાંઠા ભાજપમાં ભડકો: પ્રાંતિજ નપા પ્રમુખ અને તેમના પતિની મનમાની સામે 15 કોર્પોરેટરના રાજીનામા!

Updated: Jun 1st, 2026

GS TEAM

Google News
Google News
સાબરકાંઠા ભાજપમાં ભડકો: પ્રાંતિજ નપા પ્રમુખ અને તેમના પતિની મનમાની સામે 15 કોર્પોરેટરના રાજીનામા! 1 - image

Prantij Municipality As 15 BJP Councillors Submit Resignations: સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ નગરપાલિકાના શાસક પક્ષ ભાજપમાં આંતરિક વિખવાદ ચરમસીમાએ પહોંચ્યો છે. પાલિકાના મહિલા પ્રમુખ અનિતાબહેન પંડ્યા અને તેમના પતિ જિગ્નેશ પંડ્યા સામે વહીવટમાં મનમાની કરવાના ગંભીર આક્ષેપો સાથે ભાજપના 15 કોર્પોરેટરોએ એકાએક બળવો કર્યો છે. આ નારાજ સભ્યોએ ભેગા મળીને પોતાનો સહીઓ વાળો સામૂહિક રાજીનામાનો પત્ર જિલ્લા ભાજપ પ્રમુખને મોકલી આપ્યો છે. આ પત્ર સોશિયલ મીડિયામાં વાઈરલ થતાં જ ભાજપના મોટો ભૂકંપ સર્જાયો છે.

24માંથી 19 બેઠકો ધરાવતા ભાજપમાં આંતરિક વિવાદ

મળતી માહિતી અનુસાર, પ્રાંતિજ નગરપાલિકાના કુલ સંખ્યાબળ અને વર્તમાન સ્થિતિ પર નજર કરીએ તો ભાજપ અહીં સ્પષ્ટ બહુમતી સાથે મજબૂત સ્થિતિમાં હતું, પરંતુ આ આંતરિક જૂથવાદે ચિત્ર બદલી નાખ્યું છે. પ્રાંતિજ નગરપાલિકામાં કુલ 24 બેઠકો છે, જેમાંથી 19 બેઠકો પર ભાજપના કોર્પોરેટરો ચૂંટાયેલા છે. ભાજપના આ 19 કોર્પોરેટરોમાંથી 14 સભ્યોએ પ્રમુખ વિરુદ્ધ મોરચો માંડીને રાજીનામું આપી દીધું છે. એટલે કે શાસક પક્ષના 80 ટકા જેટલા સભ્યો અત્યારે પ્રમુખની સામે થઈ ગયા છે.

સાબરકાંઠા ભાજપમાં ભડકો: પ્રાંતિજ નપા પ્રમુખ અને તેમના પતિની મનમાની સામે 15 કોર્પોરેટરના રાજીનામા! 2 - image

આ પણ વાંચો: ભગવાનના દર્શનમાં VIP કલ્ચર : ધર્મસ્થાનોને અફસર-નેતાઓના રોફનો લુણો, ગુજરાતમાં પણ કાનૂની ફટકારની જરૂર

પ્રમુખ પદ માટે શરૂઆતથી જ ચાલતી હતી ખેંચતાણ

સ્થાનિક સૂત્રોના જણાવ્યાનુસાર, પ્રાંતિજ નગરપાલિકામાં પ્રમુખ પદની વરણી થઈ ત્યારથી જ અંદરોઅંદર અસંતોષનો લાવા ધખતો હતો. મહિલા પ્રમુખ અનિતા પંડ્યાના પ્રમુખ બન્યા બાદ પાલિકાના વહીવટી અને રાજકીય નિર્ણયોમાં તેમના પતિ જિગ્નેશ પંડ્યા હસ્તક્ષેપ કરતા હોવાની અને સભ્યોને વિશ્વાસમાં લીધા વિના મનમાની ચલાવતા હોવાની ફરિયાદો ઉઠી હતી. લાંબા સમયની નારાજગી બાદ આખરે 15 સભ્યોએ રાજીનામાનો પત્ર મોકલી દીધો છે.

ભાજપ સંગઠન એક્શનમાં 

એકાએક 15 સભ્યોએ બળવો પોકારતા જિલ્લા અને પ્રદેશ ભાજપ સંગઠનના હોદ્દેદારો ચોંકી ઊઠ્યા છે. ડેમેજ કંટ્રોલ કરવા માટે સંગઠન દ્વારા નીચે મુજબની કામગીરી હાથ ધરવામાં આવી હોવાનું સૂત્રો પાસેથી જણવા મળી રહ્યું છે. હવે જોવાનું એ રહેશે કે જિલ્લા ભાજપ પ્રમુખ આ 15 સભ્યોના રાજીનામા સ્વીકારે છે કે પછી સમજાવટથી આ આંતરિક ભડકાને શાંત પાડવામાં સફળ રહે છે.