અરબ સાગરમાં ગુજરાત ATS અને કોસ્ટ ગાર્ડનું મોટું ઓપરેશન, 3000 કરોડના ડ્રગ્સ સાથે 5 પાકિસ્તાની પકડાયા!
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Gujarat ATS 3000 Crore Drugs news : ગુજરાત એન્ટી ટેરરિઝમ સ્ક્વોડ (ATS) અને ભારતીય તટરક્ષક દળ (ICG) એ અરબ સાગરમાં આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ તસ્કર સિન્ડિકેટ સામે અત્યાર સુધીનું સૌથી મોટું સફળ ઓપરેશન પાર પાડ્યું છે. લક્ષદ્વીપના પશ્ચિમે મધ્ય સમુદ્રમાં એક શંકાસ્પદ ઈરાની બોટને આંતરીને 526 કિલો હાઈ ગ્રેડ નશીલા પદાર્થો નો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં આ ડ્રગ્સની કિંમત રૂપિયા 3000 કરોડથી વધુ આંકવામાં આવી છે. આ સપાટા દરમિયાન બોટ પર સવાર 5 પાકિસ્તાની નાગરિકોની ધરપકડ કરી લેવામાં આવી છે.
દરિયા અને હવામાં કડક ચોકીયાત: 'હોટ પર્સ્યુટ' બાદ બોટ પર દરોડો
ગુજરાત ATS ને ગુપ્ત બાતમી મળી હતી કે, દરિયાઈ માર્ગે કરોડો રૂપિયાનું ડ્રગ્સ ભારત કે આસપાસના વિસ્તારોમાં ઘૂસાડવાનો પ્રયાસ થઈ રહ્યો છે. આ બાતમીના આધારે કોસ્ટ ગાર્ડે દરિયામાં જહાજો અને હવામાં સર્વેલન્સ વિમાનો દ્વારા સઘન મોનિટરિંગ શરૂ કર્યું હતું. 25 સપ્ટેમ્બરે અરેબિયન સીમાં શંકાસ્પદ ઈરાની બોટ નજરે પડતાં જ કોસ્ટ ગાર્ડના જહાજે તેનો પીછો ('હોટ પર્સ્યુટ') કર્યો હતો. દરિયાની વચ્ચે જ બોટને ઘેરી લેવામાં આવી હતી અને કમાન્ડોએ બોટ પર ચડીને તલાશી લેતાં કોથળાઓમાં છુપાવેલું પ્યોર હેરોઇન અને મેથમફેટામાઇન મળી આવ્યું હતું.

તમામ આરોપીઓ મુંબઈ ખસેડાયા: સંયુક્ત પૂછપરછ હાથ ધરાશે
પકડાયેલા પાકિસ્તાની તસ્કરો, ઈરાની બોટ અને 3000 કરોડના ડ્રગ્સના જથ્થાને કોસ્ટ ગાર્ડ દ્વારા સુરક્ષિત રીતે મુંબઈ બંદરે લાવવામાં આવ્યા છે. હવે ત્યાં ગુજરાત ATS, કોસ્ટ ગાર્ડ, નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB) અને અન્ય કેન્દ્રીય તપાસ એજન્સીઓ દ્વારા આ પાકિસ્તાની નાગરિકોની કડક પૂછપરછ કરવામાં આવશે. આ ડ્રગ્સ કોણે મોકલ્યું હતું અને ભારતમાં કે અન્ય કોઈ દેશમાં કોને પહોંચાડવાનું હતું તે દિશામાં તપાસ તેજ કરવામાં આવી છે.




