Get The App

તબીબી વ્યવસાય એ માનવતા-કરૂણા સાથે વિશ્વાસનું પ્રતીક છે એ જાળવી રાખજોઃ મુર્મુ

Updated: Apr 13th, 2026

GS TEAM

Google News
Google News
તબીબી વ્યવસાય એ માનવતા-કરૂણા સાથે વિશ્વાસનું પ્રતીક છે એ જાળવી રાખજોઃ મુર્મુ 1 - image

રાજકોટ એઈમ્સના પ્રથમ દીક્ષાંત સમારોહમાં રાષ્ટ્રપતિનું ઉદબોધન : ગુજરાતમાં માતા અને બાળકના સ્વાસ્થ્ય અને સિકલસેલ, એનિમિયા જેવા આનુવંશિક વિકારો સહિત પ્રાદેશિક-વિશિષ્ટ રોગ પર રીસર્ચ કરવા સુચન

રાજકોટ, : ગુજરાતમાં એકમાત્ર રાજકોટ સ્થિત ઓલ ઈન્ડિયા ઇન્સ્ટિટયૂટ ઓફ મેડિકલ સાયન્સ (એઈમ્સ હોસ્પિટલ)ના પ્રથમ દીક્ષાંત સમારોહમાં આજે રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુએ અધ્યક્ષસ્થાને ઉપસ્થિત રહીને એમબીબીએસની પ્રથમ બેચના તબીબી વિદ્યાર્થીઓને અભિનંદન આપતા કહ્યું કે, 'તમે અહીંથી સ્નાતક થનારા પ્રથમ બેચ છો. આ અર્થમાં તમે એઈમ્સ રાજકોટના પ્રથમ બ્રાન્ડ એમ્બેસેડર છો. તમારું કાર્ય અને આચરણ અહીંની પ્રતિષ્ઠાને આકાર આપશે. 

વધુમાં તેમણે જણાવ્યું કે, તબીબી ક્ષેત્ર માત્ર એક વ્યવસાય નથી, તે માનવતાની સેવા પ્રત્યે પ્રતિબદ્ધતા છે. તમે જે સફેદ કોટ પહેરો છો તે બીમારી અને અનિશ્ચિતતાના સમયે લોકો ડોકટરો પર જે વિશ્વાસ મૂકે છે તેનું પ્રતીક છે. આ વ્યવસાય માટે માત્ર વૈજ્ઞાાનિક જ્ઞાાન જ નહીં પરંતુ સંવેદનશીલતા, ધીરજ અને નમ્રતાની પણ જરૂર છે' તેમ જણાવીને તબીબી પ્રેક્ટિસમાં સહાનુભૂતિ, ધીરજ અને નમ્રતા જાળવી રાખવા વિનંતી કરી હતી.

રાજકોટ એઈમ્સને એક યુવા અને વિકસિત સંસ્થા તરીકે ઉલ્લેખતા રાષ્ટ્રપતિએ તેની લાંબા ગાળાની સફળતા સુનિશ્ચિત કરવા માટે સ્પષ્ટ દ્રષ્ટિ, સુશાસન અને પારદશતાના મહત્વ પર ભાર મૂકવા સાથે ગુજરાતમાં માતૃત્વ અને બાળ આરોગ્ય અને સિકલ સેલ એનિમિયા જેવા આનુવંશિક રોગ-વિકારો સહિત પ્રાદેશિક-વિશિષ્ટ આરોગ્ય પડકારોનો સામનો કરવાની જરૂરિયાત બાબતે સુચન કર્યું હતું. આ સાથે આરોગ્ય સંભાળમાં ઝડપી તકનીકી પ્રગતિનો સ્વીકાર કરતા કહ્યું, 'કૃત્રિમ બુદ્ધિ, રોબોટિક્સ, ચોકસાઇ દવા અને ડિજિટલ આરોગ્ય સેવાઓ આરોગ્ય સંભાળની પ્રકૃતિ અને શક્યતાઓને બદલી રહી છે, પણ માનવ સ્પર્શ જાળવી રાખીને એ બધી જ નવીનતા અપનાવવી જોઈએ. 

આ સમારોહનાં પ્રારંભે એઈમ્સ રાજકોટના ડાયરેક્ટર ડો. જીવનસિંઘ તિતિયાલે દિક્ષાંત સમારોહની ક્ષણને ઐતિહાસિક ક્ષણ ગણાવી જણાવ્યું કે, એઈમ્સમાં મોઢાના કેન્સર પર રિસર્ચ ચાલુ છે. જ્યારે કેન્સર, કાડયાક, ટ્રોમા સેન્ટર ભવિષ્યમાં શરૂ થશે. તેમણે યુવા તબીબોને કહ્યું હતું કે, તબીબી સેવા માત્ર બીમારીનો ઈલાજ કરવા પૂરતી સીમિત નથી પરંતુ તે કરૂણા અને ગરિમા સાથે માનવતાની સેવા કરવાનું પવિત્ર કાર્ય છે. જ્યારે કાર્યકારી નિર્દેશક ડો. એલ. એન. દોરાઈરાજને એઈમ્સ રાજકોટની સફળયાત્રાની વિગતો રજૂ કરી હતી. આ સાથે પ્રથમ પદવીદાન સમારોહમાં કુલ 49 સ્નાતકોની પ્રથમ બેચને પદવી એનાયત કરવામાં આવી હતી. જ્યારે 10 તેજસ્વી વિદ્યાર્થીઓને મેડલ એનાયત કરાયા હતા. એક પીડીસીસી તાલીમાર્થીને પ્રમાણપત્ર એનાયત કરાયું હતું.