Get The App

જામનગરમાં શ્વાન પર ક્રૂરતા મામલે પશુ પ્રેમીઓ દ્વારા નોંધાવાયેલી પોલીસ ફરિયાદ બાદ મુખ્ય આરોપીની અટકાયત

Updated: Jun 13th, 2026

GS TEAM

Google News
Google News
જામનગરમાં શ્વાન પર ક્રૂરતા મામલે પશુ પ્રેમીઓ દ્વારા નોંધાવાયેલી પોલીસ ફરિયાદ બાદ મુખ્ય આરોપીની અટકાયત 1 - image

Jamnagar Police : જામનગરના કુકડા કેન્દ્ર આવાસ વિસ્તારમાં શ્વાન પ્રત્યે ક્રૂરતા દાખવવાના મામલે સિટી ‘બી’ ડિવિઝન પોલીસે મુખ્ય આરોપીની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે. આ બનાવમાં મુખ્ય આરોપી તરીકે સરુસેક્સન રોડ ધરાર નગર-1 વિસ્તારના રહેવાસી ઇરફાન હાજીભાઈ વાંઢા સામે ગુનો નોંધાયા બાદ પોલીસે તેની અટકાયત કરી હોવાનું જાણવા મળે છે.

તાજેતરમાં સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરલ થયો હતો, જેમાં એક શ્વાનને બિલ્ડિંગના ઉપરના માળેથી નીચે ફેંકવામાં આવતું હોવાનું સામે આવ્યું હતું. આ ઘટનાને પગલે પશુપ્રેમીઓ અને પ્રાણી કલ્યાણ સંસ્થાઓ દ્વારા ભારે વિરોધ નોંધાવવામાં આવ્યો હતો અને પોલીસમાં ફરિયાદ કરવામાં આવી હતી.

પોલીસ ફરિયાદના આધારે ભારતીય ન્યાય સંહિતા-2023 તથા પ્રાણી ક્રૂરતા નિવારણ અધિનિયમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. ત્યારબાદ સિટી ‘બી’ ડિવિઝન પોલીસે કાર્યવાહી કરીને મુખ્ય આરોપીની અટકાયત કરી લીધી છે.

આ બનાવમાં ઇજાગ્રસ્ત બનેલું આશરે ત્રણ માસનું ગલૂડિયું હાલ એક પશુ કલ્યાણ કેન્દ્રમાં સારવાર હેઠળ છે.  પશુચિકિત્સકોના જણાવ્યા મુજબ તેની તબિયત સ્થિર છે અને તે ભયમુક્ત બની રહ્યું છે. ઉપરાંત બિલ્ડિંગના પ્રથમ માળેથી નીચે ફેંકવામાં આવેલી શ્વાન (કૂતરી)ને પણ સમયસર સારવાર આપવામાં આવતા તેની સ્થિતિમાં નોંધપાત્ર સુધારો થયો છે. હાલ તે પણ એક એનિમલ કેર સેન્ટરમાં સારવાર અને દેખરેખ હેઠળ રાખવામાં આવી છે.

પશુપ્રેમીઓએ પોલીસની ઝડપી કાર્યવાહીને આવકારી છે, અને પ્રાણીઓ પ્રત્યે ક્રૂરતા દાખવનાર તત્વો સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે. સમગ્ર મામલે સિટી ‘બી’ ડિવિઝન પોલીસ દ્વારા વધુ તપાસ ચાલુ રાખવામાં આવી છે.