Gujarat

પોરબંદરમાં 'મહોત્સવ' જાડાં ધાનનો, વેંચાઈ કોસ્મેટિક પ્રોડક્ટ્સ!

By GS TEAM
23 Mar 20261 min read
પોરબંદરમાં 'મહોત્સવ' જાડાં ધાનનો, વેંચાઈ કોસ્મેટિક પ્રોડક્ટ્સ!

જાડાં ધાનની વાનગીના પ્રચાર-પ્રસારના ડીંડક પોરબંદરમાં એક્સપાયરી ડેટ કે ઉત્પાદન તારીખ વિનાની વસ્તુઓનું પણ વેંચાણ

પોરબંદર, : મિલેટ મહોત્સવના સરકારી ડીંડકમાં પોરબંદરની ચોપાટી પર મિલાવટ અને બનાવટ જોવા મળી હોવાની વાત સામે આવી છે. જેમાં જાડા ધાનની વાનગી સિવાયના સ્ટોલ પણ ફાળવી દેવામાં આવ્યા હોવાના તથા એક્સપાયરી ડેટ કે ઉત્પાદન તારીખ દર્શાવી ન હોય તેવી બટાટાની વેફર્સ અને મુરખા સહિત કોસ્મેટિક વસ્તુઓ વેંચાતા સ્થાનિકોએ ચિંતા વ્યક્ત કરી હતી.

ચોપાટી પર આયોજિત બે દિવસીય મિલેટ મહોત્સવમાં મિલેટ સાથે કોઇ જ લેવા-દેવા ન હોય તેવી ચીજવસ્તુઓ જેવી કે કોસ્મેટિક્સ આઇટમો, સામાન્ય ફૂડ સ્ટોલ, પાણીપુરી, ફ્રુટડિશ, જ્યુસ વગેરે પણ ગોઠવવામાં આવ્યા હતા. વળી, ખરેખર મિલેટ સાથે સંકળાયેલા ખેડૂતો, સ્વસહાય જૂથો અથવા સ્થાનિકોને પ્રાથમિકતા આપવાને બદલે લાગતા-વળગતા લોકો અને ખાનગી કંપનીઓને સ્ટોલ આપવામાં આવ્યા હોવાના પણ આક્ષેપો થયા છે.

મહોત્સવમાં ભારે ભીડ, વસ્તુઓના ઊંચા ભાવને કારણે સમગ્ર આયોજન અને અવ્યવસ્થા પર લોકોમાં ચર્ચા જાગી હતી. સરકારી ફંડથી યોજાયેલા આવા કાર્યક્રમમાં જવાબદારી અને પારદર્શિતાનો સ્પષ્ટ અભાવ દેખાયો હોવાના અહેવાલો સામે આવ્યા છે. મહોત્સવમાં ભીડના લીધે ચોરીના પણ નાના-મોટા બનાવો બનવા પામ્યા હતા.