- મેળાના અંતિમ દિવસે આઠ લાખની મેદની પડી, મૃગીકુંડમાં સાધુ-સંતોના સ્નાન સાથે મેળો પરિપૂર્ણ
- સાધુઓની તલવારબાજી, લાઠી દાવ અને અંગ કસરતના કરતબો નિહાળી સૌ કોઇ મંત્રમુગ્ધ
- પંચ દશનામ જૂના અખાડા ખાતેથી સાધુ-સંતો, મહામંડલેશ્વર અને દિગંબર સાધુઓની રવેડીના દર્શન માટે શ્રધ્ધાળુ દર્શનાર્થીઓ કલાકો સુધી એક જ સ્થળે બેસી રહ્યાં, જય ગિરનારીના નાદથી ભવનાથ તળેટી ગૂંજી ઉઠી
જૂનાગઢનાં ભવનાથમાં ચાલી રહેલા મહાશિવરાત્રી મેળાના અંતિમ દિવસે આજે પણ સવારથી ભાવિકોનો અવિરત પ્રવાહ તળેટી તરફ વહેતો રહ્યો હતો. લોકોએ ભવનાથ તળેટીમાં પહોંચી મહાદેવના મંદિરે દર્શન કરી અન્નક્ષેત્રમાં ભોજન પ્રસાદ તેમજ મહાશિવરાત્રિ નિમિતે જેણે ઉપવાસ કર્યો હતો. તેઓએ ફરાળ ગ્રહણ કર્યું હતું. આજે શિવરાત્રી હોવાથી ભવનાથ મંદિરે મહાદેવને વિશેષ શણગાર કરવામા આવ્યો હતો. મૃગીકુંડમાં ગુલાબની પાંખડી વડે સુશોભિત કરવામાં આવ્યો હતો. આશ્રમો તેમજ જગ્યાઓમાં ભાંગની પ્રસાદી આપવામાં આવી હતી.
આજે ભારે ભીડના લીધે વાઘેશ્વરી મંદિર નજીક પોઈન્ટ સુધી જતી એસટી બસ પણ બંધ કરી દેવામાં આવી હતી. લોકો ગિરનાર દરવાજાથી પગપાળા તળેટીમાં પહોંચ્યા હતા. બપોરે રવેડીના રૂટ પર બેરીકેડ બાંધવામાં આવ્યા હતા ત્યારે રવેડી નિહાળવા લોકો તડકામાં બેરીકેડ આસપાસ બેસી ગયા હતા અને કલાકો સુધી એક જ સ્થળે બેસી રહ્યા હતા.
રાત્રીના શ્રી પંચ દશનામ જુના અખાડા ખાતેથી રવેડીનો પ્રારંભ થયો હતો. જેમાં જુના અખાડાના આરાધ્યદેવ દત્તાત્રેય ભગવાન, આવાહન અખાડાના શ્રી ગણેશજી અને અગ્નિ અખાડાના આરાધ્યદેવ શ્રી ગાયત્રીમાતાજીની પાલખી જોડાઈ હતી. આ ઉપરાંત મહામંડલેશ્વરો તેમજ અન્ય અખાડાના સાધુ-સંતો તેમજ દિગમ્બર સાધુઓ રવેડીમાં જોડાયા હતા. નવા રૂટ પર વાજતે ગાજતે યોજાયેલી રવેડીમાં દિગમ્બર સાધુઓએ લાઠીદાવ, અંગકસરત તેમજ તલવારબાજી જેવા કરતબ રજૂ કર્યા હતા. જેને નિહાળી સૌ કોઈ મંત્રમુગ્ધ બન્યા હતા. રવેડી જૂના અખાડા ખાતેથી શરૂ થઈ મંગલનાથજી આશ્રમ પાસે થઈ દતચોક, શેરનાથ બાપુના આશ્રમનજીકથી રીંગ રોડ પરથી ઇન્દ્રભારતીબાપુના ગેટ પાસે થઈને પાછળના રોડ પરથી પરત ભારતી આશ્રમ પાસે થઈને મોડી રાત્રે ભવનાથ મંદિરે પહોંચી હતી. ત્યાં પ્રથમ અખાડાના આરાધ્યદેવોને મૃગીકુંડમાં સ્નાન કરાવવામાં આવ્યું હતું. બાદમાં સાધુ સંતોએ મૃગીમુંડમાં સ્નાન કર્યું હતું. ભવનાથ મહાદેવની મહાઆરતી યોજાઈ હતી. હર હર મહાદેવ અને જય ગિરનારીના નાદથી તળેટી ગુંજી ઉઠી હતી. આ સાથે પાંચ દિવસીય મહાશિવરાત્રી મેળો સંપન્ન થયો હતો.
- રાતભર લોકોનો પ્રવાહ જૂનાગઢ શહેર તરફ વહેતો રહ્યો
મહાશિવરાત્રી મેળો સંપન્ન થતા રાતભર ભવનાથ તળેટીથી જૂનાગઢ શહેર તરફ લોકોનો પ્રવાહ વહેતો રહ્યો હતો. વાઘેશ્વરી મંદિર નજીક એસટી પોઈન્ટ પર લોકોની કતાર લાગી હતી. જ્યારે બસ સ્ટેન્ડ, રેલવે સ્ટેશન, કાળવા ચોક, મજેવડી દરવાજા સહિતના સ્થળોએ તેમજ રોડ પર મેળાનો ટ્રાફીક જોવા મળ્યો હતો.


