Madhapar Self-destruction Case, Kutch : કચ્છના માધાપરમાં વૃદ્ધે આપઘાત પહેલા SPને સ્યુસાઈડ નોટ મોકલી હોવાનું સામે આવ્યું છે, ત્યારે આત્મહત્યાનો ભેદ ઉકેલાયો છે. સમગ્ર કેસમાં પુત્રવધૂ અને તેના માવતરના ત્રાસથી વૃદ્ધે આપઘાત કર્યો હોવાનું સામે આવ્યું છે. જેને લઈને મૃતકના દીકરાએ તેની પત્ની અને સાસરિયા પક્ષ સામે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
માધાપરમાં સસરાના આપઘાતનો ભેદ ઉકેલાયો
મળતી માહિતી મુજબ, ગત 8 ડિસેમ્બરના રોજ માધાપર નવાવાસ ખાતે રહેતા 68 વર્ષીય મોહનલાલ જખરાભાઈ ચારણીયાએ પોતાના ઘર પાસેના એક ભંગારના વાડામાં એસિડ પી લીધી હતી. ઘટનાની જાણ થતાં પરિવારે તાત્કાલિક વૃદ્ધને સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યા હતા, પરંતુ તેમનું મોત નીપજ્યું હતું.
આપઘાત પહેલા SPને મોકલી સ્યુસાઈડ નોટ
વૃદ્ધે મોતને વ્હાલુ કરવા પાછળનું સમગ્ર કારણ સ્યુસાઈડ નોટમાં લખીને પૂર્વ કચ્છ SPને મોકલી હતી. જેમાં SPએ માધાપર પોલીસને સ્યુસાઈડ નોટ મોકલતા વૃદ્ધના હત્યા પાછળનો ભેદ ઉકેલાયો છે. જેમાં વૃદ્ધના પુત્ર ધીરજ ભાટીયાની પૂત્રવધૂ દયા અને તેના સાસુ પ્રેમિલાબેન અને સાસરા ભીમજી ધરડા તથા કાકા સસરા હરેશ ધરડાના ત્રાસથી વૃદ્ધે આ પગલું ભર્યું હોવાનું સામે આવ્યું છે.
આ પણ વાંચો: ભરૂચના ગોલ્ડન બ્રિજ પાસે સેલ્ફી લેતા બહેનનો પગ લપસ્યો, બચાવવા નદીમાં કૂદેલા ભાઈનું મોત
મૃતકના દીકરાએ શું કહ્યું?
સમગ્ર મામલે ધીરજે જણાવ્યું હતું કે, 'બે વર્ષ પહેલા અમદાવાદના ઠક્કરનગરમાં રહેતા ભીમજી ધરડાની દીકરી દયા સાથે મારા લગ્ન થયા હતા. અમારે આઠ મહિનાનો એક પુત્ર છે. અમારા લગ્નજીવનના બે વર્ષ દરમિયાન મારી પત્ની નાની નાની વાતને લઈને ઘરમાં ઝઘડો કરતી અને મારા સાસરિયા પક્ષ વાળા અવારનવાર અમને ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપતા. જેના માનસિક ત્રાસથી કંટાળીને મારા પિતાએ આપઘાત કર્યો.'
સ્યુસાઈડ નોટ અને દીકરાની ફરિયાદના આધારે પોલીસે સાસરિયા પક્ષ સામે ફરિયાદ નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.


